વિરોધ:નડિયાદમાં ખાનગી કંપનીના 1500 કર્મીઓનો લઘુત્તમ વેતન મુદ્દે વિરોધ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ લઘુત્તમ વેતન સહીત બોનસની આપવાની માંગણી સ્વીકારી

નડિયાદ શહેરની જીઆઇડીસીમાં આવેલી ADF કંપનીના 1500 ઉપરાંત કર્મચારીઓએ શનિવારે વહેલી સવારે લઘુત્તમ વેતનના મામલે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. જો કે, મોટો હોબાળો ભાળી ગયેલા કંપનીના મેનેજમેન્ટ ગણતરીના કલાકોમાં જ કર્મચારીઓની માગ સ્વીકારી અને અન્ય માંગણીઓ સંદર્ભેના આયોજન માટે 15 દિવસ માંગ્યા છે.

ખેડા જિલ્લાના એક સામાજીક કાર્યકર્તાની આગેવાનીમાં નડિયાદ જીઆઇડીસી સ્થિત અમેરીકન ડ્રાયફ્રૂટ બનાવતી ADF કંપનીના કર્મચારીઓ કંપનીના ગેટની બહાર જ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. કર્મીઓ દિવસના 240 રૂપિયા જ રોજ અપાતો હોય અને બોનસ ન ચુકવાતું હોવાની બાબતે કર્મીઓ નારાજ હતા.

આ અંગે કંપનીમાં રજૂઆતો કરતા જવાબદારો દ્વારા અપશબ્દો બોલી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ પણ કર્મચારીઓએ કર્યો હતો. ઉપરાંત તેમને રીષેશ પણ ન અપાતી હોવાની બાબતે રજૂઆતો થઈ હતી. આ અંગે સામાજીક કાર્યકર્તા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કંપની સામે બળાપો ઠાલવ્યો હતો.

તેમજ દરેક કર્મચારીને 340 રૂપિયા વેતન આપવું એ સરકારી નિયમ હોવાથી કર્મીઓને તેમનો હક્ક આપવામાં આ‌વે તેમ જણાવ્યુ હતુ. પરીણામે મોટો હોબાળો થાય તે પહેલા જ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બહાર આવી લઘુત્તમ વેતન આપવાની માગ સ્વીકારી હતી અને બોનસ માટે પણ મન બનાવ્યુ હતુ. તેમજ રીષેશ આપવાની પણ જાહેરાત કરી હતી. જેના કારણે મામલો થાળે પડતા કર્મીઓ પુન: કામમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...