કિશોર વેક્સિનેશનનો પ્રથમ દિવસ:ખેડા જિલ્લામાં પ્રથમ દિવસે 21 હજાર 420 કિશોરોને રસી અપાઇ, લિટલ કિંગડમ સ્કૂલમાં કલેક્ટરની હાજરીમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

નડિયાદ19 દિવસ પહેલા
  • નડિયાદના ભુમેલની SNV સ્કૂલ ખાતેથી જિલ્લામાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ
  • કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી, વિધાનસભાના મુખ્‍ય દંડક, અધિક કલેક્ટર સહિતના લોકો હાજર રહ્યા
  • નડિયાદ તાલુકામાં 80 સેન્ટર પર રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો

ખેડા જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં આજે સોમવારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો રસી લેવા માટે જોડાયા હતા. કોઈ પણ ડર કે ભય વિના બાળકોમાં રસી લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ થતા વાલીઓમાં ઘણી રાહત પણ જોવા મળી હતી. નોંધનીય છે કે કોરોનાના કહેર વચ્ચે રાજ્યના કિશોરોને રસી આપવાની કામગીરીનો આજે સોમવારથી પ્રારંભ થયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી પ્રથમ દિવસે જ 21 હજાર 420 કિશોર વયના લોકોએ રસી મૂકાવી કોરોના સામે લડવા તૈયારી બતાવી છે. નોંધનીય છે કે નડિયાદની લિટલ કિંગડમ સ્કૂલમાં કલેક્ટરની હાજરીમાં કિશોરોનો વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

ખેડા જિલ્લાની મોટાભાગની સ્કૂલમાં આજે સોમવારે રસીકરણની કામગીરી શરૂ થતાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના નામની નોંધણી કરવા વાલીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. વાલીઓ ઘણાં લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જિલ્લાની નિયત કરેલી શાળાઓના હોલ ખાતે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાં વેક્સિનના પ્રથમ દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં 21 હજાર 420 કિશોરોને વેક્સિન આપવામાં આવી છે. આમ પ્રથમ દિવસે અભિયાન ખુબ જ પ્રોત્સાહનરૂપ ફળ્યું છે. પ્રથમ દિવસે નડિયાદ પંથકમાં 4688, માતરમાં 766, ખેડામાં 777, વસોમાં 1030, ગળતેશ્વરમાં 1637, મહુધામાં 1655, ઠાસરામાં 1717, કઠલાલમાં 2423, મહેમદાવાદમાં 3039 અને કપડવંજમાં 3688 મળીને કુલ 21 હજાર 420 કિશોરોને રસી અપાઈ છે.

નોંધનીય છે કે આજે 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના વડામથક નડિયાદ તાલુકાના ભુમેલ ગામે આવેલી SNV સ્કૂલ ખાતેથી આ વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, કલેક્ટર કે. એલ. બચાણી, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિત આરોગ્ય અધિકારી અને આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો. આરોગ્ય ટીમ સ્ટાફ બાળકનો પાસે આવી વેક્સિન અંગે વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા. જ્યાં બાળકોને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. નૌોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 300થી વધુ સેન્ટર પર આ રસીકરણ મહા અભિયાન શરૂ થયું હતું. જેમાં નડિયાદ તાલુકામાં 80 સેન્ટર પર આ રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો.

કલેક્ટરની હાજરીમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

શ્રી સાંઈ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિટલ કિંગડમ સ્કૂલ, નડિયાદમાં આજે સોમવારે વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી અને તેમના પત્ની પારૂલબેન કે. બચાણી ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા એજ્યુકેશનના સુનિલભાઈ પારગી, ઉત્તરસંડા યોગાશ્રમના સ્વામી ઓમકારનંદ અને લિટલ કિંગડમ સ્કૂલના સંચાલક કિર્તિબેન ઝાએ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ તેમના વાલીની હાજરીમાં આજના વેક્સિનેશનને સફળ બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...