તંત્ર નિદ્રાંધિન:નેનપુરમાં 13.80 લાખ ફાળવ્યા પણ 4 માર્ગ બનાવાયા જ નહીં

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદની ગ્રાન્ટમાંથી 2016-17માં સરકારી ચોપડે ફાળવાયા

મહેમદાવાદના નેનપુર ગામે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા રોડનું કામ થયા વગર જ ચુકવણુ કરી દેવાયુ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મહેમદાવાદના નેનપુર ગામે વર્ષ 2016-17માં સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી જુદા-જુદા 4 રોડ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

જેમાં નેનપુર વાયા વડદલા ડામર રોડથી સીમશાળા માટી મેન્ટલનું કામ રૂપિયા 4.90 લાખના ખર્ચે, નેનપુર – પહાડ રોડથી પગીવાસના માટી મેન્ટલ માટે 2 લાખ, ગોયા તળાવથી સીમશાળા માટી મેન્ટલના 2 લાખ, બળીયાદેવ મંદિરથી પગીવગા માટી મેન્ટલના 4.90 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ અંગે અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી અરજીમાં જણાવ્યુ છે કે, ઉપરોક્ત કામો બાબતે નેનપુર ગામે સ્થળ તપાસ કરતા કોઈ જ કામ થયેલુ ન હોવાનું જણાવ્યુ છે.

આ અંગે અરજદારે 3 વાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે, તેમજ કાર્યવાહી ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...