કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં 27 દિ’માં કોરોનાના 11 કેસ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 કોરોના દર્દીએ રસીના બંને ડોઝ લીધા અને 3 દર્દીએ પહેલો ડોઝ લીધો

લાંબા સમય સુધી કોરોનાના કેસો પર બ્રેક વાગી ગયા બાદ 10 સપ્ટેમ્બરે જિલ્લામાં નવા 2 પોઝીટીવ કેસ મળ્યા હતા. ત્યારબાદ છેલ્લા 27 દિવસમાં આજના 2 કેસ મળી અત્યાર સુધી 11 નવા કોરોના દર્દી નોંધાયા છે. તે પૈકી 6 દર્દીએ રસીના બંને ડોઝ લીધા છે, જ્યારે 3 દર્દીએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમ છતાં તેઓ કોરોનાની લપેટમાં આવ્યા છે, જો કે, મહત્વની બાબત એ છે કે, એક માત્ર વસોના થલેડીના વૃદ્ધાને બાદ કરતા તમામ લોકો ત્વરીત સાજા થયા છે.

ખેડા જિલ્લામાં છેલ્લા મહિનાના સમયગાળામાં 11 લોકો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી વસોના થલેડીમાં અમેરીકાથી આવેલા એન.આર.આઈ. દંપતિએ કોવીશીલ્ડના બંને ડોઝ લીધા હતા. છતાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા. દંપતિમાં વૃદ્ધાને કિડનીની સમસ્યા હોવાના કારણે તેમનું મોત થયુ હતુ. જ્યારે 81 વર્ષિય વૃદ્ધને બચાવી લેવાયા હતા. ત્યારબાદ નોંધાયેલા 9 કેસમાં 4 દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. જ્યારે 3 દર્દીએ પ્રથમ ડોઝ લીધો છે.

ઉપરાંત 2 દર્દીના રસીકરણની ચોક્કસ વિગતો જાણવા મળી નથી. જો કે, રસીકરણ કરવા છતાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની ખૂબ જ વહેલી રીકવરી થઈ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે.

ખેડા જિલ્લામાં આજે વધુ 2 કેસ
ખેડા જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 પોઝીટીવ દર્દી નોંધાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મહેમદાવાદના ખાત્રજની એક 53 વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મહિલા સપ્તાહ પહેલા જ કાલુપુર થઈ આસામ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જેના કારણે તેમણે સારવાર કરાવ્યા બાદ રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ હોવાનું માલુમ પડ્યુ હતુ.

હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તેમની તબિયત સારી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. બીજો કેસ નડિયાદના પીજ રોડ પર વોકીંગ ગાર્ડન સામે આવ્યો છે. જ્યાં 64 વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. તેઓ ચાર દિવસ પહેલા વલસાડ ગયા હતા. જ્યાંથી પાછા આવ્યા બાદ તબિયત નાદુરસ્ત થઈ હતી. જેથી સારવાર કરવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા તેમનો આરટીપીસીઆર રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...