હેડ ક્લાર્ક પેપરકાંડ:પેપર લીક કાંડમાં માતરના આચાર્યની પૂછપરછ

માતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેપર લીકકાંડમાં પોલીસ માતરની શાળામાં ફરજ બજાવતા કલ્પેશ પટેલને લઈ ગઈ છે. - Divya Bhaskar
પેપર લીકકાંડમાં પોલીસ માતરની શાળામાં ફરજ બજાવતા કલ્પેશ પટેલને લઈ ગઈ છે.
  • પ્રાંતિજ પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ : ગાંધીનગર પોલીસે ઉલટ તપાસ માટે દાખલા ગણાવ્યા

હેડ ક્લાર્ક પેપરકાંડનો રેલો ખેડાના માતર સુધી લંબાયો છે. રવિવારે લેવાયેલી હેડ કલાર્કની 186 ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના મામલે પોલીસ માતરની કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ ધનજીભાઈ પટેલને પૂછપરછ માટે લઈ ગઈ હતી. જ્યા તેમની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. દરમિયાન કલ્પેશ પટેલને ગાંધીનગર ખાતે પોલીસે દાખલા ગણાવ્યા હતા. કહેવાય છે કે પેપર લખાવવામાં તેમની મદદ લેવાઇ હોય તો તેની ઉલટ તપાસ માટે આ કસરત કરાઇ હતી.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ માતરની પ્રાથમિક કુમાર શાળામાં ગુરુવારે આવેલ પોલીસ થોડી પૂછપરછ કર્યા બાદ આચાર્ય કલ્પેશ ધનજીભાઇ પટેલને પોતાની સાથે લઈ ગઈ છે. જોકે આચાર્ય જેની સાથે ગયા તે વ્યક્તિઓ સિવિલ ડ્રેસમાં આવેલ હોઈ તે પોલીસ જ હતી કે કેમ તે અધિકારીક રીતે સ્પષ્ટ થયું નથી. જોકે પોલીસ કર્મીઓ આચાર્યને લઈ જતા જ પેપર લીકકાંડમાં તેનું નામ ખુલ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. હજુ સુધી કલ્પેશ પટેલ સામે કોઇ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે બાબત સ્પષ્ટ થઈ નથી. પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ આચાર્ય કમલેશ પટેલને પૂછપરછ માટે લઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ કલ્પેશ પટેલ અને તેમના પત્ની છેલ્લા 15 વર્ષથી માતર કુમાર શાળામાં જ ફરજ બજાવે છે. કલ્પેશ હાલ શાળાનો મુખ્ય શિક્ષક છે, જ્યારે પત્ની શિક્ષિકા છે. બંનેનું મૂળ વતન પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામ છે. આ દંપતી અગાઉ માતરમાં જ રહેતું હતુ. જ્યા તેઓએ પોતાનું મકાન પણ વસાવ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અમદાવાદથી માતર અપડાઉન કરતા હોવાનું શાળાના સૂત્રો પાસેથી જાળવા મળ્યું છે.

કલ્પેશની સાથે તેના ગામના અન્ય 2ની પણ પૂછપરછની ચર્ચા
કલ્પેશ ધનજીભાઈ પટેલ મુળ પ્રાંતિજના ઉંછા ગામનો વતની છે. પ્રાંતિજ પોલીસે સમગ્ર કૌભાંડમાં ઉંછા ગામના કલ્પેશ સહિત અનેક લોકોની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જશવંતભાઇ અને દેવલ નામના બે વ્યક્તિના નામ જાણવા મળ્યા છે. ત્યારે જશવંત અને દેવલના કલ્પેશ સાથે શું સંબંધ છે, અને આ ત્રણેયની તપાસમાં વધુ શું બહાર આવે છે તે આગામી દિવસોમાં જાણવા મળશે. તાલુકાની શિક્ષણ વિભાગની કચેરીમાં કલ્પેશનો ભારે રોફ હતો.

અન્ય સમાચારો પણ છે...