હાલાકી:મહુધા વૈજનાથ મહાદેવ નજીક ગટર ઓવરફ્લો થતા સ્થાનિકોને મુશ્કેલી

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુધા વૈજનાથ મહાદેવ નજીક રેલાતું ગટરનું ગંદુ પાણી - Divya Bhaskar
મહુધા વૈજનાથ મહાદેવ નજીક રેલાતું ગટરનું ગંદુ પાણી
  • ઘરના બારણે ગટર ઓવર ફ્લો થતા ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું : સ્થાનિક

મહુધાના રાજમાર્ગ પર વૈજનાથ મહાદેવ નજીક ઓવર ફ્લો થતી ભૂગર્ભ ગટરની કુંડીએ આસપાસના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ઓવર ફ્લો ગટરનું દુર્ગંધ ભર્યું પાણી છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી નીકળતા રાહદારીઓ સહિત આસપાસના રહીશોને પારાવાર હાલાકી વેઠવાની વારી આવી છે.

મહુધાના નગરજનો માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ભૂગર્ભ ગટરનો ખર્ચ એળે ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત ના સમયગાળા થી નગરમાં ભૂગર્ભ ગટરનું કામ કરતી પી.સી.સ્નેહલ કન્ટ્રક્શન નામની એજન્સી દ્વારા હાલ પણ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. અવારનવાર ગામમાં વિવિધ જગ્યાએ ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી વળવાની ઘટના નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયગાળાથી વૈજનાથ મહાદેવ નજીક રાજમાર્ગ પર ભૂગર્ભ ગટરની કુંડીમાંથી અત્યંત દુર્ગંધ ભર્યું પાણી 24 કલાક નીકળ્યા કરે છે. જેના પગલે રસ્તેથી જતા રાહદારીઓ અને આસપાસ રહેતા સ્થાનિકોને દુર્ગંધ ભર્યા વાતાવરણમાં રહેવા મજબૂર બન્યા છે.

સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે હાલ પાલિકામાં સત્તા પર બેઠેલી કોંગ્રેસ જ્યારે વિપક્ષમાં હતી ત્યારે ભૂગર્ભ ગટર મામલે ઉધમ મચાવતી હતી. જ્યારે હાલ સત્તા પર હોવા છતાં ભૂગર્ભ ગટર નો પ્રશ્ન હલ કરી શકી નથી. આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહુધા નગર ની ભૂગર્ભ ગટરની સમસ્યા નું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી નગરજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...