હોબાળો:મહુધાના અલીણા તળપદા વિસ્તારના રહીશોએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો

મહુધા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.ભાજપ ઉપપ્રમુખ અને મહુધા પ્રભારી ગ્રામજનોની રજૂઆત સાંભળવા દોડી આવ્યા

મહુધાના અલીણાનો તળપદા વિસ્તારના છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં અહીંના રહીશોએ ટી.ડી.ઓ.ને માળખાકીય સુવિધાના અભાવને લઈને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી તેનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી રહીશોએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો હતો. આ વાતની જાણ થતાં જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને મહુધા પ્રભારી રાજન દેસાઈ ગ્રામજનોની રજૂઆત સાંભળવા અલીણા દોડી આવ્યા હતા. જ્યાં તેમણે રહીશોને તેમની સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

2 ઓક્ટોબર નિમિત્તે અલીણા ગ્રામપંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જ્યાં તળપદા વિસ્તારના રહીશોએ તેમના પડતર પશ્નોની ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામમાં પ્રાથમિક સુવિધા નથી, રસ્તાના પણ ઠેકાણા નથી. જે અંગે તેમને સંબંધિત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી નિવારણ આવ્યું નથી. નેતાઓ પણ ચૂંટણી ટાણે જ દેખાય છે.

આ સિવાય કોઈ તેમના ગામમાં ફરકતું નથી. આવા બેદરકાર અધિકારીઓ અને નેતાઓના કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડે છે. રહીશોની આ સમસ્યા વિશે ખબર પડતાં મહુધા પ્રભારી રાજન દેસાઈ ગ્રામજનોની રજૂઆત સાંભળવા અલીણા દોડી આવ્યા હતા. જ્યાં તેમણે વહેલી તકે ગ્રામજનોની સમસ્યાઓનું નિવારણ લાવાની ખાતરી આપી હતી. આમ, સ્થાનિક નેતાઓએ રહીશોની સમસ્યા સામે આંખ આડા કાન કરતાં જિલ્લા મહામંત્રીએ આવીને ગ્રામજનોની સમસ્યાનું નિવારણ લાવવું પડ્યું છે. ત્યારે સ્થાનિક નેતાઓ માટે શરમજનક સ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...