મહુધાના સાપલામાં “સુજલામ સફલામ” યોજના અંતર્ગત તળાવ ખોદવાની મંજૂરી મેળવી ગૌચર માંથી માટી કાઢી ગૌચરને તળાવમાં ફેરવીદેવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર બનાવમાં ડેપ્યુટી સરપંચ સહીત પંચાયત સભ્યોએ મહુધા મામલતદાર સહીત ટીડીઓને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. મહુધા પંથકમાં “સુજલામ સફલામ” યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરીના તમામ નિયમો નેવે મૂકી માટી વેચવામાં આવતી હોવાની બુમ ઉઠી છે. ત્યારે સાપલા ગામે તળાવની મંજૂરી મેળવી ગૌચરને તળાવ બનાવી દેવામાં આવ્યું હોવાની ફરીયાદ ઉઠી છે.
ડેપ્યુટી સરપંચ સહીત સ્થાનિકોએ મહુધા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં અવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે સર્વે નંબરમાં તળાવ બતાવવામાં આવ્યું છે, તેની જગ્યાએ સ્થળ પર ગૌચરમાંથી માટી કાઢી સરપંચ-તલાટી અને ભૂ-માફીયાઓની મીલીભગતથી બારોબાર બહાર વેચી દેવામાં આવે છે.
જેના પગલે તાબડતોબ મામલતદાર ક્રિષ્ના સોલંકી દ્વારા નાયબ મામલતદાર સહીત સિંચાઈ વિભાગના કર્મીને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં સ્થળ તપાસ માટે પહોંચેલા કર્મીઓએ સરપંચ અને રજુઆત કરનાર પાસે ચાલતા ખોદકામની જગ્યાના અંગેના પુરાવા રજુ કરવા જણાવ્યું હતું. આ મામલે ક્યાક ભીનું સંકેલાઈ ના જાય તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.