અધિકારીઓની બેદરકારી:મહુધાના હેરંજ ગામમાં મધ્યાહ્ન ભોજન યોજનાની દાળનો જથ્થો ફેંકી દેવાયો, તંત્રની પોલ છતી થઇ

મહુધા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુધાના કપરુપુર અને હેરંજ ખાતે શનિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન હેરંજ ખાતે એક તરફ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સરકારની વાહવાહીમાં વ્યસ્ત હતા, ત્યારે બીજીતરફ સ્થાનિક અધિકારીઓની બેદરકારીના પગલે મધ્યાહન ભોજન યોજનાના શેડની પાછળ પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર મારફતે રાહત દરે વિતરણ કરવામાં આવતી ચણાની દાળના પેકેટવાળા ચાર કાર્ટુન રઝળતા જોવા મળ્યા હતા.

છેલ્લા ચાર વર્ષથી મહુધા મધ્યાહન ભોજન યોજનાનો ચાર્જ સંભાળતા નાયબ મામલતદારના નેજા હેઠળ 100 કિલો ચણાની દાળ હેરંજ પ્રા.શાળા મધ્યાહન ભોજન યોજનાના શેડની બાજુમા ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળતા વધુ એક વિવાદમાં સપડાયા છે. ત્યારે બજાર ભાવ પ્રમાણે 8 હજાર રૂપીયા જેટલી માતબર રકમની દાળને ફેકવાની વારી આવતા સમગ્ર મહુધાના મધ્યાહન ભોજન યોજનામાં લોકડાઉન દરમિયાન વેડફાયેલી દાળનો આંકડો ચોંકાવનારો હોઇ શકે છે.

મુખ્ય શિક્ષક અજાણ, સંચાલકે લોકડાઉન પહેલા મળેલી દાળ સળી જતા ફેંકી દીધાનું રટણ કર્યુ
આ મામલે શાળાના મુખ્ય શિક્ષક વર્ષાબેન પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે આ અંગે મને કોઈ ખ્યાલ નથી તેમ જણાવ્યુ હતુ. મધ્યાહન ભોજનના સંચાલક રાજુભાઇ પટેલને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે લોકડાઉન પહેલા ચણાની દાળ મળી હતી. દાળ પડે પડે સડી ગઇ હતી અને દુર્ગંધ આવતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...