મહુધા આશા-ફેસીલીટેટર એવોર્ડમાં ગેરરીતિ આચરનારની જગ્યાએ ચુણેલ પીએચસીના એમઓ.ની યુદ્ધના ધોરણે બદલી કરવા મામલે આશાવર્કર બહેનોએ જિલ્લા કક્ષા સહિત મહુધા તાલુકા આરોગ્ય અધિકારીને એમઓ.ની બદલી મોકૂફ રાખી ચુણેલના ફેસિલિટેટર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરી છે. નોંધનીય છે કે, સમગ્ર પ્રકરણમાં કસુરવાર વિરૂદ્ધ પગલાં ભરવાને બદલે માત્ર બદલી કરવામાં આવતાં આશાવર્કરોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં આશા-ફેસિલિટેટર એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો. જે મામલે ચુણેલ પીએચસી દ્વારા ટીએચઓ ઓફિસ પર આશા વર્કરના બે અલગ અલગ ઈ-મેલ દ્વારા નામ મોકલવામાં આવતા મુખ્યમંત્રી સુધી લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે રાતોરાત ચુણેલ એમઓ રક્ષા બારિયાની બદલી કરવામાં આવી હોવાની અફવાએ જોર પકડ્યું છે.
જ્યારે બીજી તરફ ચુણેલ આશા-ફેસિલિટેટર એવોર્ડ માટેના નામ ફેરફાર કરનાર વિવાદિત ફેસિલિટેટર દક્ષાબેન ભટ્ટ સામે કોઈ પગલાં ન ભરવામાં આવતા આશા વર્કર બહેનો રોષે ભરાઈ હતી. અને આશા વર્કરોએ જિલ્લા કક્ષાએ તેમજ મહુધા ટીએચઓને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા દક્ષાબેન ભટ્ટને બચાવવા રક્ષા બારૈયાનો ભોગ લેવામાં આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્ષાબેન બારૈયાની બદલી મોકૂફ રાખી ગેરરીતિ કરનાર દક્ષાબેન ભટ્ટને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.