ગોઝારી દુર્ઘટના:સંતરામપુરથી મલાતજ જતા 6 મિત્રોની કારને મંગળપુર પાસે રોંગસાઇડમાં જતા ટ્રેલરની ટક્કર વાગી 4 ના મોત, બે ને ઇજા

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મલાતજ માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં અકસ્માત સર્જાયો હતો - Divya Bhaskar
મલાતજ માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં અકસ્માત સર્જાયો હતો
  • મંગળવાર ભરવા જતા મિત્રોની કાર મંગળપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ

મહુધાના મંગળપુર પાટિયા પાસે મંગળવારે મોડી રાત્રે ઈકો ગાડીને રોંગ સાઈડે આવતી ટ્રકે જોશભેર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સંતરામપુરમાં રહેતા 4 દર્શનાર્થી મિત્રોના મોત થયા હતા જ્યારે બે ને ઇજા થઇ હતી. તમામ મિત્રો આણંદ જિલ્લામાં મલાતજ ખાતે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત કરનાર ટ્કનો ચાલક નાસી છુટ્યો હતો.

મળતી માહિતી મુજબ, સંતરામપુર રહેતા 6 મિત્રો દર મંગળવારે મલાતજમાં મેલડીના દર્શન કરવા જતાં હતા. પરંતુ ગતરોજ 19 ઓક્ટોબરે મોડું થઈ જતાં રાતે 8 કલાકે માતાજીના મંદિરે જવા નીકળ્યાં હતા. આ દરમિયાન મહુધાથી નડિયાદ જવાના રોડ પર રાતે 11.30 કલાકે મંગળપુર ગામની નજીક સામેથી રોંગ સાઈડે આવતી કન્ટેનર ટ્રકે ઇકો કારને જોશભેર ટક્કર મારી હતી. જેના કારણે ઇકો કાર રોડ પાસેની ગટરમાં પલટી ખાઈ જતાં અકસ્માત થયો હતો.

દુર્ઘટનાનો અવાજ સાંભળી આજુબાજુના ખેતરમાં સુઈ રહેલા ખેડૂતો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. જેમણે ગટરમાં ખાબકેલી ઇકો કારની નીચે દબાયેલા 3 યુવકોને બહાર કાઢ્યાં હતા. સાથે જ ઝાડીમાં ફંગોળાયેલા અન્ય 3 યુવકોને પણ બહાર કાઢી તરત જ મહુધા પોલીસને બનાવની જાણ કરી હતી. ત્યારબાદ તમામ યુવકોને 108 થકી મહુધા સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયાં હતા. આ દરમિયાન સુરેશભાઈ અંબુલાલ ભોઈનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

5 ઈજાગ્રસ્ત યુવક પૈકી 4ને નડિયાદ સિવિલ હૉસ્પિટલ અને એક યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જ્યારે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં પણ બે યુવકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર મામલે મહુધા પોલીસે અકસ્માત કરીને ભાગી જનાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હું રાતે મારા ખેતરમાં ઊંઘતો હતો ત્યારે વાહનો અથડાવાનો અવાજ સાંભળ્યો
હું રાતે 11 વાગ્યાની આસપાસ મંગળપુર પાટિયા નજીક મહુધા નડીયાદ રોડ પર આવેલા મારા ખેતરમાં સૂતો હતો, ત્યારે અચાનક ધડાકાભેર વાહન અથડાયા હોવાનો અવાજ સંભળાયો હતો. મારા સહિત અનેક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ઇકો ગાડી રોડની બાજુમાં ગટરમાં પલટેલી જોવા મળી હતી.જેથી અમે બધાએ ભેગા મળીને ગાડી નીચે દબાયેલા યુવકો બહાર કાઢ્યાં હતા. તે દરમિયાન એક યુવનું સ્થળ પર મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અને રાત્રિ પેટ્રોલીંગમાં નીકળેલી મહુધા પોલીસે સમગ્ર હકીકતની જાણ કરી હતી અને તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડ્યાં હતા. > પ્રતાપભાઇ બારૈયા, ખેડુત

સુરેશભાઈ ભોઈ અને સંજયભાઈ ભોઈ
સુરેશભાઈ ભોઈ અને સંજયભાઈ ભોઈ
સંજય બારૈયા અને રાજુભાઈ ભોઈ
સંજય બારૈયા અને રાજુભાઈ ભોઈ

​​​​​​​​​​​​​​મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તની યાદી
​​​​​​​1. સુરેશભાઈ અંબાલાલ ભોઈ, ઉ.વર્ષ. 35 (સ્થળ પર મોત)
2. સંજયભાઈ દીલીપભાઈ ભોઈ,ઉ.વર્ષ. 30 (સારવાર દરમિયાન મોત)
3. સંજય અરજણભાઈ બારૈયા, ઉ.વર્ષ.27 (સારવાર દરમિયાન મોત)
4. રાજુભાઈ સનાભાઈ ભોઈ ઉ.વર્ષ.31 (સારવાર દરમિયાન મોત)
5. જીતુભાઈ ભુલાભાઈ ભોઈ,ઉ.વર્ષ.40 (સારવાર હેઠળ)
6. આકાશભાઈ અશોકભાઈ ડબગર(દેવડા),ઉ.વર્ષ.21 (સારવાર હેઠળ)

CCTV ફૂટેજના આધારે ફરાર ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે
મહુધા પોલીસ હાલ, સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ટ્રકચાલક ફરાર છે. જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે કરવામાં આવશે. બને એમ જલ્દી આરોપી સુધી પહોંચીને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, મહુધા પોલીસ

અન્ય સમાચારો પણ છે...