ખેડા નગરપાલિકા દ્વારા નગરપાલિકા હસ્તક આવેલ જૂનું બિલ્ડીંગ ભાડે આપવા માટે નગરપાલિકાની 15 ફેબ્રુઆરી 2020 ની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા વધારાના કામ નંબર 21 માં એક ખાનગી હોસ્પિટલને 9 વર્ષ 11 માસ માટે મકાન ભાડે આપવા માટે ઠરાવ નંબર 65 થી સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બાબતે મ્યુનિસિપાલીટી કમિશ્નર ગાંધીનગર દ્વારા રેકર્ડની ચકાસણી કરતા બિલ્ડીંગ ભાડે આપતા પહેલા યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવી હોવાની ગંભીર બાબત સામે આવી હતી.
પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 માં દર્શાવ્યા મુજબની કામગીરી ન થઈ હોવાનું ફલિત થતા કલમ 37 હેઠળ પગલાં લેવાના થતા હોઈ પાલિકા સભ્યો ને સભ્ય પદેથી કેમ દૂર ના કરવા તે અંગેની નોટિસ આપવામાં આવી છે. આ અંગે દરેક પાલિકા સભ્યોને તારીખ 5 મે 2022 ના રોજ મ્યુનિસિપાલીટી કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે સુનાવણી રાખવામાં આવી છે. જેમાં હાજર નહીં રહે તો સભ્યને કઈ કહેવું નથી તેમ સમજીને કાર્ય વાહી કરાશે.
વિવાદિત ઘટનાક્રમ: અગાઉ 2020 ફેબ્રુઆરીમાં પાલિકાનું જૂનું બિલ્ડીંગ એટલે કે કોમ્યુનીટી હોલની મરામત માટે 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂિપયા 5 લાખ ફાળવાયા હતા. , પછી થોડા દિવસોમાં જ જાહેર હરાજી કર્યા વગર કોમ્યુનિટી હોલ ખાનગી હોસ્પિટલને ભાડે આપી દીધો. , માસિક 30000 રૂપિયાના ભાડા પેટે 9 વર્ષ અને 11 મહિના માટે પાલિકાએ ભાડે આપી દીધું મકાન. , પાલિકાએ ખાનગી હોસ્પિટલ પાસે ડિપોઝીટ પણ લીધી નથી. , વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ ભાડું લેવાનું હોય તો નગરપાલિકાએ ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુનિસિપાલિટીની પરવાનગી લેવાની હોય છે પરંતુ આમાં કોઈપણ જાતની પરવાનગી લીવાઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.