તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લામાં ભગવો લહેરાયો:5 નગરપાલિકા અને 7 તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, કોંગ્રેસનાં સૂપડાં સાફ

ખેડા2 મહિનો પહેલા
  • નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર, કોંગ્રેસમાંથી એક જ બેઠક પર એક જ ઉમેદવારનો વિજય
  • નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસનું વર્ચસ્વ નહીં, અપક્ષ ઉમેદવારો વિપક્ષમાં આવશે
  • કઠલાલ નગરપાલિકામાં બદલાવ ભાજપને 15 બેઠક, જ્યારે સમાજવાદી પાર્ટીને 9 બેઠક મળી
  • કપડવંજ નગરપાલિકામાં ભાજપ-અપક્ષ વચ્ચે ટાઈ
  • કણજરી નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ
  • ઠાસરા નગરપાલિકામાં અપક્ષોના દબદબો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. પાંચ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે વિજય થયો છે, જેને કારણે ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. આજે યોજાયેલી મતગણતરીમાં નગરપાલિકા અને પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. નડિયાદ નગરપાલિકામાં ફક્ત એકજ વોર્ડમાં એક જ ઉમેદવાર કોંગ્રેસનો આવતાં કોંગ્રેસ પક્ષની કારમી પરાજય થઈ છે. જ્યારે કપડવંજ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ તો કણજરી નગરપાલિકામાં ભાજપ- કોંગ્રેસની ટાઈ પડી છે. જો કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી પાસેથી નગરપાલિકા ભાજપે છીનવી છે. વળી, ઠાસરા નગરપાલિકામાં આ વખતે અપક્ષનો દબદબો રહ્યો છે.

સમગ્ર ખેડા જિલ્લામાં પક્ષના શાસનમાં ક્યાંક બદલાવ તો ક્યાંક વર્ચસ્વ ઘટ્યું હોવાનું ચિતાર આજે પ્રજાએ આપ્યો છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે જે-તે સેન્ટર પર હાથ ધરાઈ હતી. નડિયાદ નગરપાલિકામાં ભારે ઉત્સુકતા વચ્ચે ભાજપે પૂર્ણ બહુમતીથી વિજય મેળવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. પાલિકામાંથી માત્ર એક જ વોર્ડ નંબર 1ના જતીન પ્રવાસી નામના ઉમેદવારની જીત થઈ છે. બાકી તમામ ઉમેદવારોની કારમી હાર થતાં કોંગ્રેસ પાલિકામાંથી બહાર ફેંકાઇ ગઇ છે.

નડિયાદ નગરપાલિકામાં કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નંબર 03, 04, 09, 10માં ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી પેનલે વિજય મેળવ્યો છે, જ્યારે 8 ઉમેદવારો અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા છે. શહેરના લઘુમતી વિસ્તારમાંથી ખુદ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે, જોકે તેની સામે અપક્ષ તરીકે લડતા મુસ્લિમ ઉમેદવારે જ તેમને હરાવ્યા છે. નડિયાદ નગરપાલિકાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને ભાજપે ભગવો પૂર્ણ બહુમતી સાથે લહેરાવ્યો છે.

કપડવંજ નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 સીટ પર ટાઈ પડી છે. અહીં પહેલાંથી જ કોંગ્રેસ આઉટ હતી અને ભાજપ તથા અપક્ષ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાંથી 14 સીટ પર ભાજપનો વિજય જ્યારે અન્ય 14 સીટ પર અપક્ષે કબજો જમાવ્યો છે.

કણજરી નગરપાલિકા પણ ટાઈ પડી છે, જેમાં ભાજપે 12 અને કોંગ્રેસે 12 એમ બન્નેએ સરખી સીટ મેળવતાં ટાઈ પડી છે. જોકે અહીં વર્ચસ્વ કોનું રહેશે અને કયો પક્ષ પાલિકાની સત્તા સંભાળશે તે જોવું રહ્યું. કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લી બે ટર્મથી ચાલતા સમાજવાદી પાર્ટીના શાસનને મોટો ફટકો પડ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં પ્રજાએ પરિવર્તન કરી સમાજવાદી પાર્ટી પાસેથી નગરપાલિકા આંચકી ભાજપને આપી છે. સમાજવાદી પાર્ટીના ભાગે 9 સીટ અને ભાજપના ભાગે 15 સીટ આવતાં ભાજપનો ભગવો પાલિકા ઉપર લહેરાયો છે.

ઠાસરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોનો દબદબો વધ્યો છે, કારણ કે અહીં પહેલાંથી જ અપક્ષ અને ભાજપ વચ્ચે જંગ હતો, જેમાં ભાજપને ફાળે 9 અને અપક્ષના ફાળે 15 બેઠકો આવી છે. આમ, અહીં નગરપાલિકામાં અપક્ષનો દબદબો વધ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો