સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. પાંચ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે વિજય થયો છે, જેને કારણે ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. આજે યોજાયેલી મતગણતરીમાં નગરપાલિકા અને પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. નડિયાદ નગરપાલિકામાં ફક્ત એકજ વોર્ડમાં એક જ ઉમેદવાર કોંગ્રેસનો આવતાં કોંગ્રેસ પક્ષની કારમી પરાજય થઈ છે. જ્યારે કપડવંજ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ તો કણજરી નગરપાલિકામાં ભાજપ- કોંગ્રેસની ટાઈ પડી છે. જો કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી પાસેથી નગરપાલિકા ભાજપે છીનવી છે. વળી, ઠાસરા નગરપાલિકામાં આ વખતે અપક્ષનો દબદબો રહ્યો છે.
સમગ્ર ખેડા જિલ્લામાં પક્ષના શાસનમાં ક્યાંક બદલાવ તો ક્યાંક વર્ચસ્વ ઘટ્યું હોવાનું ચિતાર આજે પ્રજાએ આપ્યો છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે જે-તે સેન્ટર પર હાથ ધરાઈ હતી. નડિયાદ નગરપાલિકામાં ભારે ઉત્સુકતા વચ્ચે ભાજપે પૂર્ણ બહુમતીથી વિજય મેળવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. પાલિકામાંથી માત્ર એક જ વોર્ડ નંબર 1ના જતીન પ્રવાસી નામના ઉમેદવારની જીત થઈ છે. બાકી તમામ ઉમેદવારોની કારમી હાર થતાં કોંગ્રેસ પાલિકામાંથી બહાર ફેંકાઇ ગઇ છે.
નડિયાદ નગરપાલિકામાં કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નંબર 03, 04, 09, 10માં ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી પેનલે વિજય મેળવ્યો છે, જ્યારે 8 ઉમેદવારો અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા છે. શહેરના લઘુમતી વિસ્તારમાંથી ખુદ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે, જોકે તેની સામે અપક્ષ તરીકે લડતા મુસ્લિમ ઉમેદવારે જ તેમને હરાવ્યા છે. નડિયાદ નગરપાલિકાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને ભાજપે ભગવો પૂર્ણ બહુમતી સાથે લહેરાવ્યો છે.
કપડવંજ નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 સીટ પર ટાઈ પડી છે. અહીં પહેલાંથી જ કોંગ્રેસ આઉટ હતી અને ભાજપ તથા અપક્ષ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાંથી 14 સીટ પર ભાજપનો વિજય જ્યારે અન્ય 14 સીટ પર અપક્ષે કબજો જમાવ્યો છે.
કણજરી નગરપાલિકા પણ ટાઈ પડી છે, જેમાં ભાજપે 12 અને કોંગ્રેસે 12 એમ બન્નેએ સરખી સીટ મેળવતાં ટાઈ પડી છે. જોકે અહીં વર્ચસ્વ કોનું રહેશે અને કયો પક્ષ પાલિકાની સત્તા સંભાળશે તે જોવું રહ્યું. કઠલાલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લી બે ટર્મથી ચાલતા સમાજવાદી પાર્ટીના શાસનને મોટો ફટકો પડ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં પ્રજાએ પરિવર્તન કરી સમાજવાદી પાર્ટી પાસેથી નગરપાલિકા આંચકી ભાજપને આપી છે. સમાજવાદી પાર્ટીના ભાગે 9 સીટ અને ભાજપના ભાગે 15 સીટ આવતાં ભાજપનો ભગવો પાલિકા ઉપર લહેરાયો છે.
ઠાસરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોનો દબદબો વધ્યો છે, કારણ કે અહીં પહેલાંથી જ અપક્ષ અને ભાજપ વચ્ચે જંગ હતો, જેમાં ભાજપને ફાળે 9 અને અપક્ષના ફાળે 15 બેઠકો આવી છે. આમ, અહીં નગરપાલિકામાં અપક્ષનો દબદબો વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.