ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે આઝાદીકાળ ચાલી આવતી બજારની આશરે 300 દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી માથાકૂટનો આખરે અંત આવ્યો હતો, જોકે, કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ પણ હાશકારો લીધો હતો. આ ડિમોલેશનની કાર્યવાહીમાં પોલીસનો રસાલો ખડકી દેવામાં આવ્યો હતો. ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે 70 વર્ષથી સેવાલીયાના ડાકોર રોડ ઉપર 300 દુકાનો આવેલી છે.
આ દુકાનો રસ્તાના વિકાસ માટે નડતરરૂપ હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બુધવાર સવારે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા પોતાની મશીનરી 12 જેસીબી મશીન, 2 ઈટાજી, 5 ડમ્પર અને ટ્રેક્ટરો સાથે શાંતિપૂર્ણ રીતે ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, તંત્ર દ્વારા આ ઓપરેશન ડિમોલેશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેવાલીયાના બાલાસિનોર રોડ ઉપર પણ ટ્રાફિક સમસ્યા હલ કરવા તથા નવીન રોડ બનાવવા માટે બંને બાજુ આવેલી સેવાલીયા ગામ સુધીની તમામ દુકાનોના પણ આગળના રોડ અને ઓટલા તોડી પાડવામાં આવ્યાં હતાં.
દુકાનો હટતા લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા
આઝાદીકાળથી મુખ્ય બજારની દુકાનો હટતા લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં. દુકાનદારોની આંખો ભીની જોવા મળી હતી. અહીં 70 વર્ષથી દુકાન ધરાવતા દુકાનદારોને રોજીરોટીનો પ્રશ્ન ઉભો થવા સાથે ધંધો બંધ થવાથી પરિવારની ભરણપોષણ માટે પ્રશ્નો ઉભા થયાં હતાં.
2 ડાયવર્ઝન આપ્યા બાદ કામગીરી હાથ ધરાઈ
સેવાલીયામાં ડીમોલેશનની કામગીરી કરવા માટે સેવાલીયાથી ગોધરા તરફનો માર્ગ ડાયવર્ઝન આપી બપોર સુધી બંધ રખાયો હતો. સેવાલીયા બસ સ્ટેન્ડ બજાર વચ્ચે આવતું હોવાથી બપોર સુધી તમામ બસોને નવા હાઇવે પરથી બજારમાં ડાયવર્ડ કરવામાં આવી હતી.
ડિમોલીશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ડીમોલેશનની કામગીરીમાં એક નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 180 પોલીસ કર્મીઓ અને 40 મહિલા પોલીસ, 2 વીજ કંપનીની ટીમ, 2 આરોગ્યની ટીમ અને એક ફાયર ફાઇટરની ટીમ સાથે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યાં હતાં. શાંતિપૂર્ણ રીતે ડીમોલેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.