આક્રોશ:થર્મલ પાવર સ્ટેશન ખાતે પ્રદૂષણ મામલે સ્થાનિકો દ્વારા ચક્કાજામ

સેવાલિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના થર્મલ પાવર સ્ટેશન ખાતેથી ખુલ્લી ગાડીઓમાં વહન કરવામાં આવતી રાખોડીના કારણે આજે મોટુ સ્વરુપ ધારણ કર્યું. છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં ચીફ એન્જિનિયર અને જવાબદાર ટ્રાન્સપોર્ટર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નહતી. જેને કારણે આજે સવારે થર્મલ પાવર સ્ટેશન ખાતે સ્થાનિક આગેવાનો, સરપંચ સહિતના લોકોએ ટોળાબંધીમાં એકઠા થઈને હોબાળો મચાવવા સાથે ચક્કાજામ કર્યું હતું.

પ્રદૂષણ વિભાગ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ
સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે રોડ ઉપર અને હવામાં ફેલાતી રાખોડી મામલે કોઇ સમાધાન કરવા સ્થાનિકો તૈયાર થયા નહોતા. સવારે થર્મલ પાવર સ્ટેશન ખાતે અવર-જવર કરતી રાખોડી ભરેલી ટ્રકોને સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવી હતી. રાખોડી ના કારણે હવામાં ભારે પ્રદૂષણ ફેલાતું હોવાની અને રોડ ઉપર ઠેર ઠેર થતાં રાખોડીના ઢગલા સ્થાનિકો માટે મુસ્કેલી રૂપ બનતા હોવાની બૂમો લોકો પાડી રહ્યા હતા.

રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારોમાં મકાનોમાં અને બજાર વિસ્તારની દુકાનોમાં રાખોડીના કારણે લોકોને અનેક તકલીફો પડતી હોવાની ફરીયાદો ઉઠી હતી. ટોળાબંધીમાં એકઠા થયેલા લોકોએ ભારે હોબાળા સાથે ચક્કાજામ સર્જવામાં આવ્યું હતું. જોકે પોલીસે મામલો શાંત કરીને ચક્કાજામ દૂર કર્યો હતો. વહેલી તકે રાખોડી નો પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ એ મૌન સેવ્યું હતું.

પ્રદૂષણ વિભાગની કામગીરી સામે સવાલો
થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં અવરજવર કરતી રાખોડી ભરેલી ટ્રકોમાંથી રોડ ઉપર અને હવામાં ફેલાતી રાખોડી ભારે પ્રદૂષણ ફેલાવીને આરોગ્યને નુકસાન પહોંચાડતી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે સ્થાનિકોમાં પ્રદૂષણ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પ્રદૂષણ નિયંત્રણની જવાબદારી હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...