ધરપકડ:કઠલાલમાં સ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂ વેચતા 2 ઇસમોને ઝડપી પાડ્યા

કઠલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.51 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર

કઠલાલ પોલીસની રહેમ નજર હેઠળ દારૂનું વેચાણ કરતાં 2 ઈસમોને સ્ટેટ વિજિલન્સની ટીમે દબોચી લીધાં છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ મૂકાયો છે. ગતરોજ સ્ટેટ વિજિલન્સ ટીમને ટેલિફોનિક બાતમી મળી હતી કે, કઠલાલમાં ઈન્દિરાનગરના તળાવ ફળિયામાં યાસીનમીયા ઉર્ફે મોન્ટુ નાનો રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે ટીમે SRP સ્ટાફ સાથે મળીને સ્થળ પર વૉચ રાખીને રેઈડ કરી હતી.

જ્યાં બે ઈસમો દારૂનું વેચાણ કરતાં ઝડપાયા હતા. જે પૈકીની એકની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ મિતેષભાઈ મારવાડી (રહે.મારવાડ, કઠલાલ) જણાવ્યું હતું. સાથે તેને કબૂલ્યું હતું કે, તે છેલ્લા 15 દિવસથી યાસીનમીયા ઉર્ફે મોન્ટુ અને તેના પિતા બિસ્મિલામીયા ચૌહાણ (રહે. ઈન્દીનગર, કઠલાલ) સાથે દારૂ વેચવાનું કામ કરે છે. જ્યારે બીજા ઈસમની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ બિસ્મિલ્લા ચૌહાણ જણાવ્યું હતું અને દીકરા સાથે મળીને દારૂનું વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે મકાનની તપાસ કરતાં કબાટમાં બનાવેલાં ભોંયરામાંથી વિદેશી દારૂના કુલ 44 બોક્સ મળી આવ્યાં હતા.

તેમજ મકાનના પાછળથી વિવિધ કંપનીના વિદેશી દારૂના બોક્સ મળ્યાં હતા. આ રીતે સ્ટેટ વિજિલન્સની ટીમે કુલ કુલ 2,51,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને ફરાર આરોપી યાસીનમીયા ઉર્ફે મોન્ટુને શોધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...