ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીઓ બન્યા વેપારી : શાળામાં જ હાટ ભર્યું

કપડવંજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજની પ્રા. શાળામાં બાળકોમાં વેપારવણજની સમજ માટે નવતર પ્રયોગ

શાળામાં અભ્યાસ કરતા બાળકોને વસ્તુ ખરીદી અંગે વ્યવહારુ જ્ઞાન મળી રહી અને રૂપિયાનું તેમજ વજનનું મૂલ્ય સમજાય તે હેતુથી કપડવંજ તાલુકાની કુંભારિયા ટીંબા પ્રાથમિક શાળામાં બાળમેળા દરમિયાન શાકભાજી, કરિયાણું અને સ્ટેશનરીના નવ જેટલા સ્ટોલ ઊભા કરી તેમાં બાળકો દ્વારા જ વેચાણ કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હોત. આ સ્ટોલનું સંચાલન પણ ધો. 6 થી 8 ના બાળકોએ જ કર્યુ હતું.

ભુંગળિયા તાબેની કુંભારિયા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ શર્માના જણાવ્યા મુજબ તાજેતરમાં બાળમેળો એક અલગ થીમ પર યોજ્યો હતો. સામાન્ય રીતે બાળકો કોઇ વસ્તુ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે હંમેશા રૂપિયામાં ખરીદી કરે છે પણ વજન લીટરમાં ખરીદી કરતા ન હતા. જેનાથી બાળકોને ગ્રામ, કિલોગ્રામ અને લીટરનો ખ્યાલ હોતો નથી.

માટે આ મેળામાં ચીજવસ્તુઓની ખરીદી બાળકોને સાથે રાખીને કરાઇ હતી અને તેમના દ્વારા જ વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે તેમને કોષ્ટક દ્વારા નફા-નુકસાનની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. નફાના રૂપિયાનો ઉપયોગ બાળકોના અભ્યાસ અર્થે ઉપયોગી સામગ્રી લાવવામાં આવે છે. આ શાળાની વિદ્યાર્થીની મમતાબેન સોલંકીના જણાવ્યા મુજબ આ વિવિધ પ્રવૃતિઓથી જીવનભર યાદ રહી જાય એવું જ્ઞાન મળે છે અને બાળકોની ક્રિયાશીલતાને પોષણ મળે છે.

બાળકોએ કરેલા ખરીદ - વેચાણમાં ગ્રામજનો જોડાયા
આ અંગે ભુંગળિયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલ બાળમેળામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ખરીદી કરી હતી અને આને લઈને બાળકોમાં પણ જ્ઞાન સાથે આત્મવિશ્વાસ વધે છે. આ બાળમેળામાં ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન સાથે ઉત્સાહ વધાર્યો હતો. શાળા દ્વારા આવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ થતી આવે છે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.

અન્ય સમાચારો પણ છે...