શહીદ જવાનની ઇચ્છા અધૂરી રહી:હરિશસિંહે પિતાને કહ્યું હતું કે, ‘એકવાર કોરોના જાય પછી હું ધામધૂમથી લગ્ન કરવા આવીશ’

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહીદ થનાર જવાન - Divya Bhaskar
શહીદ થનાર જવાન
  • કપડવંજના વણઝારીયા ગામના 5 થી વધુ યુવાનો આર્મીમાં, ગામના 25થી વધુ યુવાનો સૈન્યમાં જોડાવા પ્રયત્નો કરે છે

ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે જીવ ગુમાવ્યો છે. કપડવંજના વણઝારિયા ગામના 25 વર્ષીય જવાન જમ્મુમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. જવાનની શહીદીના સમાચાર મળતા જ તાલુકાનું 2500 ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન આજે જમ્મુમાં શહીદ થયાના સમાચાર મળતા જ ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા. ખેડૂતના ઘરે જન્મેલા હરેશસિંહને નાનપણ થી જ આર્મીમાં જોડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જોડાઈ ગયા હતા.

2016માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. તે સમયે તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજો પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. જમ્મુના પુંછ સેક્ટર માં આતંકીઓ સાથેની જૂથ અથડામણમાં જવાન શહીદ થતાં આખું ગામ, હરીશ પરમાર ના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ પણ શોક મગ્ન બન્યા છે.

2500 વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે નાતો છે. આ ગામમાં 2500 લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. અને 25 થી 30 કરતા વધારે નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે આ નાનકડા ગામના યુવાને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થતા ગામમાં ગમગીની છવાઈ હતી.

શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા. તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી, પરંતુ કોરોનાકાળને કારણે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી 2 જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. પરંતુ કોને ખબર હતી, કે તે સમયે નોકરી પર જઈ રહેલ હરીશસિહ આ રીતે ઘરે પરત ફરશે. હરીશસિંહના પિતા રાધાભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. સાથે મને ગૌરવ પણ થયું છે કે મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી છે.

મોટાભાઈ રાજેન્દ્રસિંહે 3 વર્ષ આર્મીના ફરજ બજાવી
કપડવંજનું વણજારીયા ગામ ભલે 2,500ની વસ્તી વાળુ હોય. પરંતુ આ ગામના લોકો માતૃ ભુમી સાથે જોડાયેલા છે. જો વાત કરવામાં આવે રાઘાભાઇ પરમારના પરિવારની તો અગાઉ તેમનો અન્ય દીકરો પણ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેનું નામ છે રાજેન્દ્રસિંહ પરમાર. રાજેન્દ્રસિંહ વર્ષ 2011માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. જેઓએ વર્ષ 2014 સુધી ઇન્ડિયન આર્મીના જુદા જુદા કેમ્પ પર ફરજ બજાવી હતી. રાજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે અમે 2011માં ભરતી થયા બાદ જમ્મુ, હૈદરાબાદ, હિમાચલ જેવા અનેક પ્રદેશોમાં ફરજ બજાવી હતી. 3 વર્ષ દરમિયાન ની સેવા દરમિયાન તેઓ એ 22 જેટલા અલગ અલગ સ્થળ પર પોસ્ટીંગ મેળવ્યું હતું. પરંતુ કેટલાક પારિવારિક કારણોસર તેઓ નોકરી છોડી ઘરે પરત આવી ગયા હતા. જે બાદ વર્ષ 2016માં તેમના ભાઈ હરીશ સિહને ભારત માતાની સેવાનો મોકો મળતા તેઓ આર્મીમાં જોડાયા હતા.

તે ગામના 50થી વધુ બાળકોને આર્મીની ટ્રેનિંગ આપતા
અમે સ્કૂલ સમયથી સાથે અભ્યાસ કરતા હતા. કોલેજ પણ અમે સાથે જ જોઈન કરી હતી. પરંતુ પ્રથમ વર્ષમાં જ તેને આર્મીમાં પ્રવેશ મળતા તેણે કોલેજનો અભ્યાસ છોડી આર્મી જોઈન કરી લીધુ હતું. તેને નાનપણથી જ અભ્યાસમાં ઓછો અને દેશ સેવામાં વધારે રસ હતો. તે હંમેશા અમને પણ આર્મી જોઈન કરવા માટે કહેતો.> વિજય પરમાર, સ્કૂલ મિત્ર

તેને અભ્યાસમાં ઓછો અને દેશ સેવામાં વધારે રસ હતો
અમે સ્કૂલ સમયથી સાથે અભ્યાસ કરતા હતા. કોલેજ પણ અમે સાથે જ જોઈન કરી હતી. પરંતુ પ્રથમ વર્ષમાં જ તેને આર્મીમાં પ્રવેશ મળતા તેણે કોલેજનો અભ્યાસ છોડી આર્મી જોઈન કરી લીધુ હતું. તેને નાનપણથી જ અભ્યાસમાં ઓછો અને દેશ સેવામાં વધારે રસ હતો. તે હંમેશા અમને પણ આર્મી જોઈન કરવા માટે કહેતો.> વિજય પરમાર, સ્કૂલ મિત્ર