હાલાકી:કોરોનાએ અમારો લક્ષ્મીરૂપી દક્ષિણાનો દ્વાર બંધ કરી દીધો છે

કપડવંજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના કારણે કર્મકાંડી બ્રાહ્મણો આર્થિક ભીંસમાં
  • કપડવંજમાં 16 કર્મકાંડી બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી

લોકડાઉનના કારણે રોજગારીમાં ભારે ફટકો પડ્યો છે. જાહેર સમારંભ, લગ્નપ્રસંગો પર પ્રતિબંધ હોવાથી કર્મકાંડી બ્રાહ્મણોને અસર પડી છે. આ સમસ્યાને ધ્યાનમાં લઇ કપડવંજમાં ભુદેવોને દક્ષિણા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. લોકડાઉનના કારણે મંદિરો અને સારા નરસા પ્રસંગો પણ બંધ છે. જેને કારણે કર્મકાંડ કરતા બ્રાહ્મણોની આવક પણ બંધ છે. તેવા સમયે કપડવંજની પુ. હ. મહાજન લાઇબ્રેરીના સહયોગથી માનવમિત્ર સેવા સંસ્થાના સભ્ય કિશોરભાઈ વણજાણીએ તેમના માતા વિસ્નિદેવી લેખુરામ વણજાણીની પુણ્યતિથિ નિમિત્તે કપડવંજના 16 જેટલા કર્મકાંડી બ્રાહ્મણોને પ્રત્યેકને રૂપિયા 700 પ્રમાણે દક્ષિણા અર્પણ કરી હતી. આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ મુકેશભાઇ વૈદ્ય, કીર્તન ભાઈ પરીખ,ધવલભાઈ શાહ અને પરેશભાઈ શાહ મદદરૂપ બન્યા હતા.

કર્મકાંડએ અમારી આજીવિકા છે  
‘લોકડાઉન દરમિયાન કર્મકાંડી બ્રાહ્મણો પર અસર થંઈ છે. સરસ્વતી પણ લક્ષ્મી વગર મુંજાય તેવી દશા અમારી છે. અમો કર્મકાંડ ઉપર આજીવિકા ધરાવીએ છીએ. પરંતુ છેલ્લા બે માસથી તમામ પ્રકારના વ્યવહારો બંધ હોય ધર્મસ્થાનો અને ધર્મ કાર્યો પણ બંધ હોય અમો રોજી વગરના થઈ ગયા છીએ. લગ્ન, જનોઈ કે મરણ સંસ્કાર પણ સ્થગીત થઇ ગયા હોવાથી અમારી આજીવિકા બંધ થઈ ગઈ છે. આવા સમયમાં અમારા જેવા કર્મકાંડી બ્રાહ્મણનું વિચારનારા આવા લોકો ધન્યવાદને પાત્ર છે.’ > વિજય ત્રિવેદી, કર્મકાંડી બ્રાહ્મણ, 

જીવન ગુજારવું મુશ્કેલ બની ગયુ છે
‘અમો દેવભાષા સાથે સંકળાયેલા બ્રાહ્મણો જ્ઞાનની પરબ ધરાવીએ છીએ. પરંતુ અન્ન બ્રહ્મ લક્ષ્મી વગર મળી શકે નહીં અને કોરોનાના કહેરે અમારી લક્ષ્મી રૂપી દક્ષિણાનું દ્વાર બંધ કરી દીધું છે. જેના લીધે અમારું જીવન ગુજારવુ પણ મુશ્કેલ બની ગયું હતું. એવા સંજોગોમાં જ્ઞાનની પરબ એવા મહાજન લાઇબ્રેરીના સહયોગથી દેવભાષાના રક્ષક બ્રાહ્મણોને યાદ કરી આવો સુંદર વિચાર અમલમાં મુકાયો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.’ >ભગવતભાઈ જોશી, કર્મકાંડી બ્રાહ્મણ, કપડવંજ.

અન્ય સમાચારો પણ છે...