અકસ્માત:માલવણ પાસે ખિલખિલાટ વાનની ટક્કરે મહિલાનું મોત

સેવાલિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલિયા રોડ પર બાઇક સવાર દંપતી ડાકોર જતું હતું
  • પત્નીનું મોત, પતિ સહીત અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડાકોર સેવાલિયા રોડ પર ગતરોજ સાંજે માલવણ સીમમાં ખિલખિલાટ ઈકો ગાડીએ આગળ જતાં બાઇકને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપતિ સહિત ત્રણ જણાંને ઇજા પહોંચી હતી. આ જોઈને વાનચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. જો કે, સ્થળ પર હાજર લોકોએ ઈજાગ્રસ્તોને 108 થકી સારવાર હેઠળ ખસેડ્યાં હતા. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સાવલીના ધોળાકૂવામાં રહેતા કાળુભાઈ ચૌહાણ તેમની પત્ની ગજરાબહેન તેમજ કાભાઈ પઢિયાર સાથે બાઇક નંબર જીજે 6- ડીએમ-8762 પર સેવાલિયાથી ડાકોર તરફ જતા હતા. તે દરમિયાન સાંજના પાંચ કલાકના સુમારે માલવણ સીમમાંથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટે આવતી ખિલખિલાટ વાન નંબર જીજે-18- બીટી 5644એ ધડાકાભેર બાઇકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર 3 લોકો જોરથી નીચે પટકાતા તેઓનો ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે વાનચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો.

જો કે, સ્થળ હાજર લોકોએ તેમને 108 થકી સારવાર હેઠળ ખસેડ્યાં હતા. જ્યાં 45વર્ષિય ગજરા બહેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા તે સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે કાભાઇ પઢિયારની ફરિયાદના આધારે સેવાલિયા પોલીસે ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...