ડાકોરમાં વારાદારી બહેનોનો વલોપાત:‘રણછોડજીની પૂજા કરવા દેવા અમે બે હાથ જોડી વિનંતી કરી પણ મંદિર ટ્રસ્ટ ટસનું મસ ન થયું’

ડાકોર24 દિવસ પહેલા
અમને રાજા રણછોડરાય પર પૂરી શ્રધ્ધા છે, પૂજાઅર્ચનાની તક મળશે
  • વારાદારી બહેનો અને સેવકોએ રણછોડજીની સાક્ષીએ કબુલ્યું છે કે ‘અમો અને અમારા દીકરા (નહીં કે દિકરી) રણછોડરાયની સેવા નિયમો મુજબ કરીશું : કમિટી

યાત્રાધામ ડાકોરમાં ભગવાનની સેવા પૂજા કરવા ઈચ્છુક બે વારાદારી બહેનોને સમગ્ર દિવસની રાહ જોયા બાદ પણ સેવા પૂજા કરવાનો હક્ક ન મળ્યો. આજે શનિવારે તેમના વારાનો પ્રથમ દિવસ હતો આવતીકાલે રવિવારે બીજો અને અંતિમ દિવસ છે. પોતાની માંગ પર અડી રહેલ બંને સેવક બહેનો સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ગર્ભગૃહની બહાર બેસી રહ્યા. વિવાદ વધુ ના વકરે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિવસભર 10 જેટલા પોલીસ કર્મીઓ પણ ખડે પગે રહ્યા. બીજી તરફ બીજી તરફ મંદિર કમિટી પણ પોતાના મંતવ્ય પર અડગ જોવા મળી.

દિવસ દરમિયાન કમિટીએ જમાવ્યું હતું કે આ બંને મહિલાઓના લગ્ન થઈ ગયા છે, ગોત્ર પણ બદલાઈ ગયા છે. અને કોર્ટ દ્વારા પણ કોઈ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો નથી. જેથી તેઓ સેવા પૂજા કરી શકે નહીં. ડાકોર મંદિરમાં વારાદારી હક્ક હોવાનો દાવો કરતા અને ભગવાન રણછોડ રાય ની સેવા પૂજા કરવા ઈચ્છુક ઈન્દિરાબેન સેવક અને ભગવતીબેન સેવક આજે વહેલી પરોઢિયે મંદિર ખુલે તે પહેલાં જ ગર્ભ ગૃહ ના દ્વારની સીડીઓ પર આવી પહોંચ્યા હતા.

ઈન્દિરાબેને જણાવ્યું હતું કે મંદિર કમિટીના સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘર્ષણ ના થાય તેનું ધ્યાન રાખી આગ્રહ પૂર્વક, બે હાથ જોડી અમને ભગવાનની સેવા પૂજા કરવાદો તેવી વિનંતી કરી હતી. પરંતુ ટેમ્પલ કમિટી એ અમારી એક વાત સાંભળી ન હતી. ભગવાન પર અતુટ શ્રધ્ધાથી અમને હક્ક મળશે, મંદિર કમિટી અમારી વાત માનશે તેવી આશા એ સમગ્ર દિવસ દરમિયાન 13 કલાક સુધી અમે ગર્ભગૃહના દરવાજે બેસી રહ્યા, પરંતુ તેઓએ મારી એક વાત ન માની.

ઈન્દીરાબેને જણાવ્યું હતું કે ભલે આજે અમને ભગવાનની સેવા પૂજા નો લાભ ન મળ્યો હજુ 3 ઓક્ટોબરના રોજ પણ અમારા જ પરિવારનો વારો છે, જેથી અમે બીજા દિવસે પણ અહીં આવીશું, રણછોડરાય ભગવાન અમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો.

શનિવારે બે વારાદારી બહેનો દ્વારા ભગવાનની પૂજા કરવા દેવાના હઠાગ્રહ સામે મંદિરે મક્કમ વલણ અપનાવી અન્ય સેવકો દ્વારા રાજારણછોડરાયની પૂજા કરવામાં આવી હતી. જે પ્રથમ તસવીરમાં નજરે પડે છે. જ્યારે બાકીની બંને તસવીર વર્ષ 1973ની છે. જેમાં રથયાત્રા દરમિયાન ઈન્દીરાબેને લાલજી મહારાજની સેવા કરી હતી અને હાથી પર સવારી પણ કરી હતી.

અમને તો શ્રીગોળ પંચ અને મંદિરે નિમ્યા છે
અગાઉ કૃષ્ણલાલ સેવકના પરિવારનો વારો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ નીમવા બંને બહેનોને પત્ર લખ્યો હતો. પરંતુ બહેનોએ તેમના પ્રતિનિધિની નિમણૂક નહીં કરતા મંદિરે શ્રીગોળ પંચ અને મંદિર દ્વારા અમારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હતી. જેથી સેવક પરિવાર વતી અમે દિવસ દરમિયાન તમામ સેવા પૂજા કરી હતી, અને આવતીકાલે પણ કરીશું. - અશોકભાઈ આર. પંડ્યા, સેવક આગેવાન

જ્યાં સુધી બે બહેનો છે ત્યાં સુધી બંદોબસ્ત
સેવક બહેનો દ્વારા પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી હતી, બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાણ કરી હતી. માટે વહેલી સવારથી જ 5 મહિલા કોન્સ્ટેબલ અને 5 પુરુષ કોન્સ્ટેબલ સાથે બંદોબસ્ત ફાળવ્યો હતો. દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જ્યા સુધી બંને બહેનો ત્યાં હાજર રહેશે ત્યા સુધી પોલીસ બંદોબસ્ત પણ રખાશે. - ડી.આર.બારૈયા, પી.એસ.આઈ, ડાકોર પોલીસ

અન્ય સમાચારો પણ છે...