ડાકોરમાં દ્વારિકાધીશના શુભાગમનનાં 866 વર્ષ:ભગવાન એક, સ્વરૂપ અનેક; ભગવાન રણછોડરાય અને દ્વારિકાધીશની મૂર્તિમાં આ છે મુખ્ય પાંચ તફાવત

ડાકોર19 દિવસ પહેલા
તસવીરમાં ડાબેથી ડાકોરમાં રણછોડરાય અને દ્વારકામાં દ્વારિકાધીશની મૂર્તિ.
  • ચરોતર પંથકના દેવ મંદિરોમાં દેવદિવાળીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે

ભગવાન શ્રી કૃષ્ણના વિધવિધ સ્વરૂપ છે. દ્વારિકામાં તેઓ દ્વારિકાધીશ તરીકે પૂજાય છે તો ડાકોરમાં રણછોડરાય તરીકે ભક્તોના હ્રદયમાં વસ્યા છે. બંને યાત્રાધામના મંદિરમાં બિરાજીત ભગવાનની દૈદિપ્યમાન મૂર્તિઓ શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. બંને મૂર્તિઓના કદ અને મુદ્રામાં કેટલોક તફાવત છે.

866 વર્ષ પહેલા સંવત 1212માં તેઓ દ્વારિકા નગરીથી ડાકોરમાં આવ્યા હતા. દેવોની દિવાળીની ડાકોરમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે ડાકોર ઉપરાંત ચરોતર પંથકના દેવમંદિરોમાં આ પાવનકારી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાશે.

યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજી અને દ્વારકામાં બિરાજેલા દ્વારિકાધીશની મૂર્તિમાં તફાવત બાબતે ડાકોરના સેવક પૂજારી બિરેનભાઈ પંડ્યાએ આ પ્રમાણેના મુદ્દા વર્ણવ્યા હતા.

1. રણછોડરાયજીના ચક્ષુ પૂર્ણ ખૂલેલા, દ્વારિકાધીશનાં નેત્ર અર્ધ ખૂલેલાં

દંતકથા છેકે ડાકોરથી નિરાશ થઈ ગુગલી બ્રાહ્મણો પરત જવાની તૈયારી કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેઓને કહ્યું હતું કે, બરાબર છ મહિના બાદ દ્વારિકાની સેવર્ધન વાવમાંથી મારા જેવી જ મૂર્તિ મળશે. પરંતુ ભગવાનની ભક્તિમાં લીન ગુગલી બ્રાહ્મણોથી રાહ ના જોવાઈ અને સૂચિત સમય પહેલા જ વાવમાં ખોદકામ કરતા ભગવાનની અલ્પ વિક્સિત અને અડધી બંધ આંખોવાળી મૂર્તિ મળી.

2. દ્વારકાના નાથ કરતાં રણછોડજીની મૂર્તિનું કદ મોટું

દ્વારિકાના ગુગલી બ્રાહ્મણોએ ભગવાને કહેલા 6 મહિનાના સમય પહેલા સેવર્ધન વાવમાં ખોદકામ કર્યુ હતું . જેના કારણે ભગવાનની મૂર્તિનું કદ ડાકોર કરતા નાનું છે અને ચક્ષુ પણ અર્ધ ખૂલેલા છે. ડાકોરજીની મૂર્તિ લગભગ 3.5 ફૂટની છે જ્યારે દ્વારિકાધીશની મૂર્તિનું કદ લગભગ સવા બે ફૂટ જેટલું છે.

3. રણછોડરાયને કમરના ભાગે ભાલાની ઇજાનું ચિહન

ગૂગલી બ્રાહ્મણો દ્વારા બોડાણાને ભાલાથી ઈજા કરતા તેઓનું મૃત્યુ થયું હતુ. જે ભાલાની ઈજા ગોમતીમાં છુપાયેલા ભગવાનને પણ થઇ અને રણછોડરાયના રક્તથી ગોમતીનું પાણી લાલ થયું. ડાકોરમાં સ્થાપિત કરાયેલી મૂર્તિના કમરના ભાગે ભાલાની ઇજાનું ચિહ્ન હોવાનું પણ મનાય છે.

4. ડાકોર અને દ્વારિકાની મૂર્તિની હસ્તની ભિન્ન મુદ્રા

ભગવાન દ્વારિકાધીશના બે હાથ ઉપર અને બે હાથ નીચે છે. જ્યારે ડાકોરના રણછોડરાયના ત્રણ હાથ ઉપર છે, અને એક હાથ નીચે છે. એમ કહેવાય છે કે ભગવાને ભક્તોને આશીર્વાદ આપવા ત્રીજો હાથ ઉપર ઉઠાવ્યો છે. દ્વારિકાધીશની મૂર્તિના હસ્તમાં પદ્મ, ગદા, ચક્ર, શંખ ધારણ કરેલા છે.

5. રણછોડરાય ત્રિસ્વરૂપી છે, જ્યારે દ્વારિકાધીશનું વિષ્ણુ સ્વરૂપ
ડાકોરમાં ભગવાન ત્રિસ્વરૂપી છે. જેમાં મૂર્તિની એક બાજુ બ્રહ્માજી, બીજી તરફ શિવજી અને વચ્ચે સ્વયં વિષ્ણુ ભગવાન છે. જ્યારે દ્વારિકામાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજે છે.

અન્ય સમાચારો પણ છે...