તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળાબજારી:ખુશાલપુરા પાસેથી 45 કટ્ટા ઘઊં 32 કટ્ટા ચોખાનો રેશનીંગનો જથ્થો પકડાયો

ડાકોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહળેલ આસપાસના ગોડાઉનોમાં જથ્થો સગેવગે થતો હોવાની આશંકા

નડિયાદ ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા બુધવારે મોડી સાંજે દરોડો પાડી સગેવગે થતો રેશનીંગના અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. નડિયાદની સસ્તા અનાજની દુકાનોમાં પહોચાડવાનો જથ્થો બારોબાર શહેર બહાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જતા જાગ્રૃત નાગરીકે તંત્રને જાણ કરી હતી. જે બાદ દોડતા થયેલા તંત્રના અધિકારીઓએ અનાજના જથ્થા સાથેના વાહનને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘણા સમયથી રેશનીંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના કારણે ફરી એકવાર ગરીબનો કોળિયો ખાનગી ગોડાઉનો સુધી પહોંચે તે પહેલાં તેને ઝડપી પડાયો છે. ગ્રામ્ય મામલતદાર કચેરીના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોલેરો ગાડી નં.જીજે.07.વાય ઝેડ.0556 મળેલ થી પાલૈયા તરફના રસ્તે જઇ રહી હતી. ત્યારે ખુશાલપુરા ગામની સીમમાં તેને રોકી ને તપાસ કરતા 45 કટ્ટા ઘઉ અને 32 કટ્ટા ચોખાનો રેશનીંગ નો જથ્થો મળી આવ્યો હતો.

આ જથ્થો નડિયાદના ગોડાઉનમાંથી નિકળ્યો હતો, તે બાબત સ્પષ્ટ થઇ છે. પરંતુ કઈ દુકાનમાં જવાનો હતો, તેની વિગત જથ્થો ઝડપનાર અધિકારીઓને નહિ મળી હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ તૈયાર કરી DSOને સોંપવામાં આવશે
જાગ્રૃત નાગરીક દ્વારા બાતમી આપતા અમે તપાસમાં નીકળ્યા હતા અને વાહનમાં લઇ જવાતો જથ્થો ઝડપ્યો હતો. સમગ્ર બાબતે એક અહેવાલ તૈયાર કરી જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવશે. જે બાદ તેઓ આ મામલે કેસ ચલાવશે અને સમગ્ર મામલાની તપાસ થશે. હાલ જથ્થો કોનો છે, અને કોને ત્યાં જતો હતો તેની જાણ થઇ નથી.> ભાવીન મહેરીયા, નાયબ મામલતદાર, નડિયાદ ગ્રામ્ય

મહોળેલની આસપાસનો વિસ્તાર શંકાના દાયરામાં
મહત્વની વાત છેકે છેલ્લા બે માસમાં મહોળેલ અને આસપાસના વિસ્તારમાં થી બીજી વાર રેશનીંગ નો જથ્થો ઝડપાયો છે. અવાર નવાર મહોળેલ આસપાસથી રેશનીંગ નો જથ્થો ઝડપાતાં આ વિસ્તારના ગોડાઉનોમાં કંઇક તો રંધાય રહ્યું છે તે નક્કી છે.

જાકીર નામના ઇસમ નું રહસ્ય ઘેરાયું
મહોળેલ અને આસપાસના વિસ્તારમાં રેશનીંગના અનાજનો જથ્થો સગેવગે કરવામાં જાકીર નામના વ્યક્તિનું નામ ચર્ચામાં છે. મળતી વિગતો મુજબ આ જ વિસ્તારમાં એક ગોડાઉન છે, નડિયાદના સરકારી ગોડાઉનમાંથી નિકળતો રેશનીંગ નો જથ્થો સીધો અહીં પહોંચી જાય છે. ત્યારે આ જાકીર નામના ઇસમ ની અને તેના ગોડાઉન ની ઊંડાણ પૂર્વકની તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...