તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શનાર્થીઓનો ભારે ધસારો:ગો.. કોરોના.. ગો..ની પ્રભુને ભક્તોની પ્રાર્થના

ડાકોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડતાલમાં 50 હજાર અને ડાકોરમાં 60 હજારથી વધુ ભક્તો ભગવાનના દર્શન કરી ભાવવિભોર થયાં

કોરોનાકાળ બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી ગયા છે. ત્યારે 90 દિવસ બાદ ભક્તોએ પૂનમ નિમિત્તે વડતાલ અને ડાકોર ખાતે ખુલ્લા દ્વારે ભગવાનના દર્શન કર્યા હતા. આ બંને યાત્રાધામોમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યાના જુદા જુદા શહેરો-નગરોમાંથી દર્શનાર્થીઓ આવ્યા હતા અને હવે કોરોના દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા આજે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. અંદાજિત 50 હજારથી વધુ ભક્તોએ આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. દર્શન દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય અને તમામ વ્યવસ્થા સચવાઈ રહે તે માટે મંદિર પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ દેવ તેમજ સમગ્ર નિજ મંદિરને 1,000 કિલો ખારેકથી શણગારવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન પ્રભુના દર્શનથી વંચિત રહેલા ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ શણગાર અને પ્રભુના દર્શન કરતાની સાથે જ ભાવવિભોર બની ગયા હતા. અને સૌ કોઇ ના મુખેથી ‘શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી...જય’ ના નાદ ગુંજી ઉઠ્યા હતા.

દરમિયાન ડાકોરની વાત કરીયે તો અંદાજીત 60 હજારથી વધુ ભક્તો રાજા રણછોડના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તોની લાઇનો થઇ ગઇ હતી અને સૌના મુખ પર માત્ર એક જ નાદ હતો..‘જય રણછોડ માખણ ચોર.’ મંદિર પ્રશાસન દ્વારા ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

દરમિયાન જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.મહિલાઓ અને પુરુષો માટે અલગ લાઈન કરવામાં આવી હતી, તેમજ પૂનમ હોય પાકીટમાર કે ચેન સ્નેચર ભીડનો લાભ ઉઠાવી ના જાય તે માટે ઘુમ્મટમાં પણ પોલીસ ગોઠવવામાં આવી હતી. યાત્રાધામ ડાકોરમાં બપોર સુધી બહારના દર્શનાર્થીઓનો ભારે ધસારો રહેવા પામ્યો હતો.

ટ્રસ્ટી કચ્છથી 1 હજાર કિલો ખારેક લઇને આવ્યા
90 દિવસો બાદ વડતાલ મંદિર પૂનમ નિમિત્તે ભક્તો માટે ખુલ્લું રહ્યું. ત્યારે કચ્છ મંદિરના ટ્રસ્ટી હિરજીભાઇ ગગજીભાઇ વેકરીયા ખાસ ભગવાનના શણગાર માટે 1,000 કિલો ખારેક લઇને વડતાલ આવ્યા હતા. જે ખારેકનો શણગાર કરતા આ શણગાર જોઈ ભક્તો અભિભૂત થયા હતા.> ડો. સંતસ્વામી, કોઠારી, વડતાલ મંદિર ટ્રસ્ટ

શુ કહી રહ્યા છે ભક્તો

  • 1 વર્ષ બાદ પૂર્ણિમાના આવા દર્શનનો લહાવો મ‌ળ્યો તેથી હું ધન્યતા અનુભવું છું. પૂર્ણિમાએ ઠાકોરજીને આવી રીત ભક્તો મળતા રહે, મહામારીનો અંત આવે તેવી પ્રભુને પ્રાર્થના કરીને દર પૂર્ણિમાએ દર્શનનો લાભ લઇ શકીએ તેવી પ્રભુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે.> કૂલદીપ, દર્શનાર્થી વડોદરા.
  • છેલ્લે 5 પૂર્ણિમાથી ડાકોર દર્શન કરવા આવતા હતા. પણ આ વખતે રણછોડજીના દર્શન ખુલ્યાનું માલૂમ પડતાં અમો અમદાવાદથી ચાલતા પૂર્ણિમા ભરવા આવેલા છીએ. ભગવાનના દર્શન કરીને એમને આનંદની અનુભૂતિ થઈ. રણછોડજીને અમે આજે પ્રાર્થના કરી છે કે હવે કોરોનાથી મુક્તિ આપશો.> હર્ષ સોની, દર્શનાર્થી અમદાવાદ
  • ​​​​​​​​​​​​​​​​​​​​​ઘણા સમય બાદ ઠાકોરજીના દર્શનથી આનંદ અનુભવું છુ.કોરોના મહામારી આવ્યા બાદ ફરી આવી રીતે પૂર્ણિમાના દર્શનનો લ્હાવો મળ્યો. હવે આ મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના કરી છે.> આદિત્ય, દર્શનાર્થી, સુરત
અન્ય સમાચારો પણ છે...