દાવો પોકળ સાબિત થયા:મુંબઈના રસ્તાઓ વરસાદથી ધોવાઈ જતાં આપનું આઈ લવ ખાડા અભિયાન

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં ખાડાઓ પૂર્યા હોવાનો દાવો પોકળ સાબિત

રાજ્ય સરકાર અને મહાપાલિકા દ્વારા દર વર્ષે રસ્તાઓના સમારકામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં રસ્તાઓ પરના ખાડા જેમના તેમ છે અને આ ગંભીર બાબત છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઝવેરીએ આરોપ લગાવ્યો કે મુંબઈગરાના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે. ખાસ કરીને ચોમાસુ હજુ બેઠું નથી ને મુંબઈમાં ઠેર ઠેર ચંદ્રની સપાટી જેવા ખાડાઓ પડી જાય છે, જેને કારણે વાહનોને અવરોધ પેદા થતાં ટ્રાફિકજામ થાય છે. અકસ્માત થતાં અનેકનાં મોત થાય છે અથવા ગંભીર ઈજાઓ થાય છે.

હાલમાં જ મહાપાલિકાએ દાવો કર્યો હતો કે મુંબઈમાં લગભગ બધા ખાડા બુઝાવી દેવાયા છે. જો તે છતાં કોઈ બાકી હોય તો હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરવી. બાકી ખાડાઓ અન્ય પ્રશાસનની હદમાં આવે છે, જેથી તે પ્રશાસનનો સંપર્ક કરીને જાણ કરવી. જોકે આપ દ્વારા અનેક વિસ્તારોમાં રૂબરૂ જઈને તપાસ કરવામાં આવી ત્યારે સ્થિતિ કાંઈક અલગ હોવાનું મળી આવ્યું છે.

આપે શહેરમાં ખાડાઓ વિશે દાવાને ખોટો સિદ્ધ કરવા માટે સમગ્ર મુંબઈમાં આઈ લવ ખાડા ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે આપના ગોપાલ ઝવેરીએ જણાવ્યું હતું કે આઈ લવ ખાડા અભિયાન દરમિયાન કફ પરેડ, કોલાબા, વાકોલા, ચેમ્બુર, ખાર, જોગેશ્વરી વેસ્ટ, ભાંડુપ, અંધેરી વેસ્ટ, ચર્ચગેટ, બોરીવલી, મલાડ જેવા વિવિધ વિસ્તારોમાં ખાડાઓ જોવા મળ્યા હતા. છેલ્લાં 24 વર્ષોમાં મહાપાલિકાએ મુંબઈમાં રસ્તાઓ પર રૂ. 29,000 કરોડનો ખર્ચ કર્યો છે.

કોન્ટ્રાક્ટરો જાળવણી કરતા નથી : મુંબઈમાં માત્ર 800 કિમીના રસ્તાઓનું જ કોંક્રિટિંગ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જાળવણીના અભાવને કારણે મુંબઈમાં રસ્તાઓ પર ખાડા કાયમી બની ગયા છે. આને કારણે મુસાફરોને અસુવિધા થાય છે અને અકસ્માતમાં મૃત્યુ પણ થાય છે. 2014 અને 2019ની વચ્ચે 150 જણનાં મોત થયાં છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મુંબઈમાં ખાડાઓ આતંકવાદી હુમલામાં થા. તેના કરતાં વધુ મૃત્યુ નીપજાવવાનું કારણ બને છે, એમ ગોપાલ ઝવેરીએ જણાવ્યું હતું.

રસ્તાઓની બિસ્માર હાલત
જે તે વિસ્તારના ખાડાઓનું નિરીક્ષણ કરતી વખતે અમારા કાર્યકર્તાઓ અને આગેવાનોએ એક જ દિવસમાં સમગ્ર શહેરમાં ખાડાઓનું માર્કિંગ કર્યું છે. આપના મુંબઈ કાર્યકારી પ્રમુખ રુબેન મસ્કરેન્હાસે દુઃખ વ્યક્ત કર્યું હતું કે મુંબઈના રસ્તાઓની હાલત ખરાબ છે. સ્પષ્ટ છે કે મહાપાલિકા પોતાનું કામ કરવાને બદલે માત્ર ખાડા ટ્રેકિંગ એપ્સ અને હેલ્પલાઈનમાં જ રસ ધરાવે છે, એમ આપના કાર્યકારી પ્રમુખ દ્વિજેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...