કામગીરી:ઓરેંજ ગેટથી નરિમાન પોઈંટ અંડરગ્રાઉન્ડ માર્ગનું કામ શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ માર્ગે ચેંબુરથી નરિમાન પોંઈટ ફક્ત અડધો કલાકમાં પહોંચી શકાશે

ઓરેંજ ગેટ, ઈસ્ટર્ન ફ્રી વેથી નરિમાન પોંઈટનો પ્રવાસ ફક્ત 5 મિનિટમાં થાય એ માટે શરૂ કરવામાં આવેલો ઓરેંજ ગેટથી નરિમાન પોંઈટ અંડરગ્રાઉન્ડ માર્ગ પ્રકલ્પ નવા વર્ષમાં પાટે ચઢશે. આ માર્ગની રૂપરેખા મંજૂર કરીને આખરે આ માર્ગના બાંધકામ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે ટેંડર મગાવ્યા છે. આગામી ત્રણચાર મહિનામાં ટેંડર પ્રક્રિયા પૂરી કરીને જૂન-જુલાઈમાં બાંધકામની શરૂઆત કરવામાં આવશે. પુણે, નવી મુંબઈ અને થાણેની દિશામાંથી દક્ષિણ મુંબઈ આવવું સહેલું થાય એ માટે એમએમઆરડીએએ 16.8 કિલોમીટરનો ઈસ્ટર્ન ફ્રી વે બાંધ્યો. આ રોડ 2013માં વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો.

તેથી ચેંબુરથી સીએસએમટીનું અંતર ફક્ત 20 થી 25 મિનિટમાં પાર પડે છે. જો કે ઓરેંજ ગેટ ખાતે પહોંચ્યા પછી નરિમાન પોંઈટની દિશામાં જતા વાહનોએ ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. એના પર ઉકેલ તરીકે એમએમઆરડીએએ ઈસ્ટર્ન ફ્રી વે, ઓરેંજ ગેટથી નરિમાન પોંઈટ અંડરગ્રાઉન્ડ માર્ગ બાંધવાનો નિર્ણય લીધો છે. સાડા ત્રણ કિલોમીટરના આ પ્રકલ્પને જાપાનની કંપની પાસેથી તૈયાર કરાવેલી રૂપરેખા મંજૂર થઈ હોવાથી આ પ્રકલ્પ પાટે ચઢાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એવી માહિતી મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે આપી હતી. ટેંડર રજૂ કરવાની મુદત 20 ફેબ્રુઆરી સુધીની છે.

એ અનુસાર ટેંડર પ્રક્રિયા પૂરી કરીને આગામી છ મહિનામાં કામની શરૂઆત કરવાનું નિયોજન છે. રૂપરેખા અનુસાર આ રોડ 3.5 કિલોમીટરનો હશે. જવા માટે એક અને આવવા માટે એક અંડરગ્રાઉન્ડ માર્ગ બાંધવામાં આવશે. એના માટે શરૂઆતમાં 4 હજાર 500 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત હતો. પણ હવે આ ખર્ચ વધીને 6 હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચ્યો છે.

આ માર્ગના બાંધકામની જૂન-જુલાઈમાં શરૂઆત કરીને 2025માં વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો એમએમઆરડીએનો પ્રયત્ન છે. આ પ્રકલ્પ વાહનવ્યવહાર માટે શરૂ થશે તો ઓરેંજ ગેટ, ઈસ્ટર્ન ફ્રી વેથી નરિમાન પોંઈંટનો પ્રવાસ ફક્ત 5 મિનિટમાં પૂરો થશે. એ જ સમયે ચેંબુરથી નરિમાન પોંઈટનું અંતર ઈસ્ટર્ન ફ્રી વે અને અંડરગ્રાઉન્ડ માર્ગથી ફક્ત 30 થી 35 મિનિટમાં પાર પડશે. આગળ આ માર્ગ નરિમાન પોંઈટ પરથી મુંબઈ મહાપાલિકાના સીલિન્કને જોડવામાં આવશે. તેથી પશ્ચિમ ઉપનગરોમાં પહોંચવું વાહનચાલકો માટે સહેલું થશે.

અન્ય સમાચારો પણ છે...