ડ્રગ્સની દાણચોરી માટે હનીટ્રેપમાં ફસાવવાનું પ્રકરણ બહાર આવ્યું છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા રૂ. 28.10 કરોડના કોકેઈન સાથે ભારતીય પ્રવાસીની ધરપકડ કરતાં આ માહિતી બહાર આવી છે. વિશ્વસનીય માહિતીને આધારે કસ્ટમ્સ દ્વારા મુંબઈ એરપોર્ટ પર એક ભારતીય પ્રવાસીને રોકીને તલાશી લેવામાં આવી હતી. તેની પાસેની ડફલ બેગમાં ખાસ તૈયાર કરાયેલા પોલાણની સપાટીઓમાંથી કોકેઈન મળી આવ્યું હતું. રૂ. 28.10 કરોડનું કુલ 2810 ગ્રામ કોકેઈન હસ્તગત કરાયું હતું.
આરોપી અદિસ અબાબાથી ડ્રગ્સ લઈને આવ્યો હતો. આ ડ્રગ્સ તે દિલ્હી લઈ જવાનો હતો. તપાસમાં આરોપીએ કબૂલાત કરી કે ફેસબુક પર એક મહિલા સાથે ઓળખાણ થઈ હતી. તેણે સૌપ્રથમ સારી નોકરી આપવાની લાલચ આપી હતી. આ પછી સેક્સ સંબંધી વાતો કરીને આરોપી સાથે નિકટતા સાધી હતી.
આ પછી આર્થિક લાભની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવી દીધો હતો. આરોપીને મુંબઈની સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી અપાઈ હતી.અગાઉ 4 જાન્યુઆરીના રોજ નાઈરોબીથી આવેલા ભારતીય પ્રવાસી પાસેથી 4.47 કિલો હેરોઈન મળી આવ્યું હતું. તે પૂર્વે અદિસ અબાબાથી આવેલા પ્રવાસી પાસેથી 1.596 કિલો કોકેઈન મળી આવ્યું હતું. 2023માં કસ્ટમ્સ દ્વારા 13.73 કિલો સોનું અને 1.5 કરોડનું વિદેશી હૂંડિયામણ પણ પકડી પાડવામાં આવ્યું છે.
ધારાવીથી 28 લાખનું ડ્રગ્સ પકડાયું
દરમિયાન મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલે ધારાવી ટી જંકશન ખાતે દરોડા પાડીને ત્રણને 140 ગ્રામ એમડી (મેફેડ્રોન) નામે ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા, જેનું મૂલ્ય રૂ. 24 લાખ છે. આરોપીઓ રીઢા ગુનાગાર છે. તેઓ આ પાર્ટી ડ્રગ્સ ક્યાં પહોંચાડતા હતા અને તેમની સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.