વિવાદ કોર્ટમાં જશે:શિવાજી પાર્કમાં રેલી કોણ યોજશે?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકરે બાદ શિંદે જૂથે પણ પરવાનગી માગતાં કોકડું ગૂંચવાયું

એકનાથ શિંદેના બળવા પછી અસલી શિવસેના કોની આ વિવાદ એક બાજુ સુપ્રીમ કોર્ટમાં ઉકેલની વાટ જોઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ શિવસેના દ્વારા વર્ષોથી દાદરના શિવાજી પાર્કમાં દશેરા પર યોજાતી રેલી પણ આ વખતે વિવાદમાં આવી છે. ઉદ્ધવ ઠાકરે જૂથે દશેરા રેલી લેવા માટે મહાપાલિકા પાસે પરવાનગી માગી છે. દર વર્ષે શિવાજી પાર્ક મેદાનમાં શિવસેનાની દશેરા રેલી યોજાતી હોય છે. જોકે કોરોનાને લીધે આ દશેરા રેલીમાં અવરોધ આવ્યો હતો. આમ છતાં આ વર્ષે બધું જ પૂર્ણ ક્ષમતા સાથે ખૂલી ગયું હોવાથી આ વખતે શિવસેનાની દશેરા રેલી મહત્ત્વની છે.

ઉપરાંત રાજ્યમાં બદલાયેલાં રાજકીય સમીકરણોને લઈને ઉદ્ધવ ઠાકરે દશેરા રેલી નિમિત્તે શક્તિ પ્રદર્શન કરવાનો ઈરાદો સ્પષ્ટ છે. આવા સંજોગોમાં એકનાથ શિંદેએ ફરી એક વાર તેમની સામે પડકાર મૂક્યો છે. દશેરા રેલી શિવાજી પાર્કમાં લેવાનો ઈરાદો શિંદે જૂથે દર્શાવતાં કોકડું ગૂંચવાયું છે. આથી પરવાનગી નહીં મળે તો આ વિવાદ કોર્ટમાં જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક બાજુ મહાપાલિકા અમને જ પરવાનગી આપશે એવો દાવો શિંદે જૂથે કર્યો છે ત્યારે બીજી બાજુ પરવાનગી નહીં મળે તો કોર્ટમાં દાદ માગીશું એમ ઠાકરે જૂથે કહ્યું છે. આથી પરવાનગી કોને મળશે તેની તરફ આખા રાજ્યનું ધ્યાન કેન્દ્રિત છે.

મહાપાલિકા કોને પરવાનગી આપશે
ઉદ્ધવ ઠાકરે વતી પરવાનગી માટે મહાપાલિકા પાસે અરજી કરવામાં આવી છે, પરંતુ તેની પર નિર્ણય શું લેવો તે બાબતે પ્રશાસન અવઢવમાં છે. મુંબઈ મહાપાલિકા પર છેલ્લાં 25 વર્ષથી શિવસેનાનું રાજ છે, પરંતુ શિવસેનાની સત્તાની મુદત પૂરી થઈ ગઈ છે અને એક યા બીજા કારણથી ચૂંટણી લંબાઈ રહી છે. આથી હાલમાં મહાપાલિકા પર પ્રશાસક કારભાર સંભાળી રહ્યા છે. આથી એક અર્થમાં મહાપાલિકા પર હાલમાં શિંદે- ફડણવીસ સરકારનું રાજ છે. આથી શિંદે જૂથને પરવાનગી મળવાની શક્યતા વધુ છે.

જોકે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. શનિવારે માજી ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે સૂચક વિધાન કરતાં જણાવ્યું હતું કે સત્તા જેની પાસે હોય છે તેમને પરવાનગી મળવાનું બહુ મુશ્કેલ હોતું નથી. બીજી બાજુ શિવસેનાના નેતા અનિલ પરબે જણાવ્યું છે કે જો અમને પરવાનગી નહીં મળે તો અમે કોર્ટનાં દ્વાર ખખડાવીશું. આ પૂર્વે શિવાજી પાર્ક સાઈલન્સ ઝોન જાહેર કર્યા પછી પણ શિવસેનાની દશેરા રેલી પર સવાલ ઉપસ્થિત થતા હતા. જોકે આ એક પારંપરિક ઉત્સવ હોવાનું કહીને શિવસેનાની દશેરા રેલીને પરવાનગી આપવામાં આવી હતી. હવે આ વખતે શું થાય છે તેની પર સૌની મીટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...