મુંબઈ હાઈ કોર્ટે ખાડાઓ સંબંધિત પીઆઈએલ પર આગળની સુનાવણીમાં રાજ્ય સરકારને પૂછ્યું છે, કે મુંબઈનાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતી આરે કોલોનીમાંથી પસાર થતા રસ્તાઓની ખરાબ હાલત માટે કોન્ટ્રાક્ટરો સામે શું પગલાં લેવામાં આવશે. આ અંગે હાઈકોર્ટે આગામી સુનાવણીમાં એફિડેવિટ પર માહિતી રજૂ કરવા પણ સૂચના આપી છે.
આરેમાં રોડને લઈને એડિશનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા હાઈ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. આરે ડેરી ફાર્મમાં આ 70 વર્ષ જૂના અને કુલ 45 કિલોમીટરના રસ્તાઓની જાળવણી માટે 173 કરોડ 79 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે અને પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. પરંતુ ત્યાં સુધી આ રોડનું પુનઃનિર્માણ અને ગટરની સુવિધા ઉપલબ્ધ થશે નહીં તેમ જ રોડની ખરાબ હાલતને જોતા અહીં કોંક્રીટિંગ જરૂરી હોવાનું પણ સોગંદનામામાં જણાવાયું છે.
આરે ડેરી કોલોનીમાં રોડ ધોવાઈ ગયો છે અને સ્થાનિક રહેવાસી બિનોદ અગ્રવાલે આ રોડની હાલત અંગે હાઈ કોર્ટમાં પિટિશન મારફતે ફરિયાદ કરી છે. કાર્યકારી ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની બેંચ સમક્ષ બુધવારે આ અરજીની સુનાવણી થઈ હતી. અગ્રવાલે આક્ષેપ કર્યો હતો, કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં આ રોડ ધોવાઈ ગયા બાદ આ રોડની ઉપેક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર વતી પબ્લિક એડવોકેટ મિલિંદ મોરેએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટરો સામે પગલાં લઈશું. તો પછી શું પગલાં લેવાશે?, હાઈકોર્ટે રાજ્ય સરકારને એફિડેવિટમાં જણાવવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.