શહેરના એલ વોર્ડમાં ખૈરાની રોડ પરના કેટલાક વિસ્તારોમાં આગામી 10 જેટલા શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે. જળવાહિનીના સમારકામમાં 10 દિવસ લાગે એમ છે. જોકે શહેરીજનોને પાણીની અગવડ ન પડે તે માટે તબક્કાવાર આગામી 10 શનિવારે આ કામ કરવામાં આવશે. નાગરિકોને સાવચેતીનાં પગલાંરૂપે પાણીનો કસરકસર સાથે ઉપયોગ કરવા તેમજ દર રવિવારે પાણી ઉકાળીને પીવાની વિનંતી કરવામાં આવી છે.તુકારામ બ્રિજ અને જંગલેશ્વર મહાદેવ મંદિર વચ્ચે પૂર્વ ઉપનગરોમાં ખૈરાની રોડ હેઠળ જળવાહિનીનું સક્ષમીકરણ કરવાની જરૂર છે.
જોકે આ કામ માટે સતત 10 દિવસનો સમય લાગી શકે એમ છે અને જો સતત 10 દિવસ પાણી પુરવઠો બંધ રાખવામાં આવે તો શહેરીજનોને અગવડતા પડી શકે તેમ હોવાથી પાણી વિભાગે તબક્કાવાર આ કામગીરી કરવાનો નિર્ણય લીધો છે.આ મુજબ નાગરિકોને અસુવિધા ન થાય તે માટે, ઉક્ત કામગીરી તબક્કાવાર 10 દિવસમાં એટલે કે સતત 10 શનિવારે કરવામાં આવશે, જેના કારણે શનિવારે તા. 4 માર્ચથી શનિવાર અને 6 મે સમયગાળા દરમિયાન, દર શનિવારે ‘એલ’ વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉક્ત વિસ્તારના નાગરિકોએ દર શુક્રવારે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવો અને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા સાથે સાવચેતીનાં પગલારૂપે દર રવિવારે પાણીને ફિલ્ટર કરીને ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે, એમ હાઈડ્રોલિક એન્જિનિયર પુરુષોત્તમ માલવદેએ જણાવ્યું હતું.‘એલ’ વોર્ડમાં ખૈરાની રોડ હેઠળની 1200 મીમી વ્યાસ અને 800 મીટર લાંબી જળવાહિનીનું વહેલી તકે સક્ષમીકરણ કરવું જરૂરી બન્યું છે.
આ અંતર્ગત ઉક્ત જળવાહિનીની અંદરના ભાગમાં ‘ક્યોર્ડ ઇન પ્લેસ્ડ પાઇપ’ પદ્ધતિથી મજબૂતીકરણ કરવાની કામગીરી કરવામાં આવશે. ‘એલ’ વિભાગમાં આવેલા સંઘર્ષ નગર, લોયલકા કમ્પાઉન્ડ, સુભાષ નગર, ભાનુશાલી વાડી, યાદવ નગર, દુર્ગામાતા મંદિર, કુલકર્ણી વાડી, ડીસોજા કમ્પાઉન્ડ, લક્ષ્મી નારાયણ માર્ગ, જોશ નગર, આઝાદ માર્કેટમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.