ચોમાસુ આ વખતે સમયસર આવી જશે એવો અંદાજ હતો, પરંતુ વાસ્તવમાં ચોમાસુ લંબાયું છે. જૂન મહિનાના 10 દિવસ વીતી જવા છતાં વરસાદનાં કોઈ ચિહન નથી, જ્યારે બીજી બાજુ મુંબઈગરાની તરસ છિપાવતાં જળાશયોમાં પાણી સતત ઓછું થઈ રહ્યું છે, જેથી આ વખતે વરસાદ વધુ લંબાય તો પાણીકાપનો સામનો કરવો પડી શકે છે.
મુંબઈને પાણીપુરવઠો કરતાં જળાશયોમાં હાલમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જે આગામી 22 દિવસ સુધી જ ચાલી શકશે. આથી પાણી સાચવીને વાપરવા માટે પાણી પુરવઠા વિભાગે અનુરોધ કર્યો છે.મુંબઈને અપ્પર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી એમ સાત જળાશયોમાંથી પાણી પુરવઠો કરવામાં આવે છે.
મુંબઈને દરરોજ 3750 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. હાલ બધાં જ જળાશયોમાંફક્ત 14.67 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. એટલે કે સર્વ જળાશયોમાં ફક્ત 2,12,461 મિલિલિટર પણી છે, જે આગામી 22 દિવસ સુધી જ ચાલી શકશે.મુંબઈને સૌથી વધુ પાણીપુરવઠો કરતા ભાતસા જળાશયમાં 14.53 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય વૈતરણામાં 23.14 ટકા છે. તેનો ફક્ત એક દરવાજો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે.
અપ્પર વૈતરણામાં પાણીનો જથ્થો શૂન્ય છે. બધાં જળાશય મળીને 14,47,363 મિલિલિટર પાણી સંગ્રહની ક્ષમતા છે. તેમાંથી ફક્ત 2,12,461 (14.68 ટકા) મિલિલિટર પાણી બચ્યું છે. જૂન 2020માં આજના દિવસે 2,06,205 મિલિલિટર (14.25 ટકા) અને 2021માં 1,85,864 મિલિલિટર (12.84 ટકા) પાણી હતું. મુંબઈમાં જો પાણીકાપ નહીં લાદવો હોય અને પાણીપુરવઠો રાબેતા મુજબ ચાલે તે માટે એક અઠવાડિયાની અંદર વરસાદ શરૂ થઈ જવો જરૂરી છે. અન્યથા પાણીની કટોકટી સર્જાઈ શકે છે.
દરમિયાન મુખ્ય હાઈડ્રોલિક એન્જિનિયર સંજય આર્તેએ જણાવ્યું કે જૂનમાં ચાલી રહે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જળાશય ક્ષેત્રમાં સમયસર વરસાદ શરૂ થાય તો ચિંતા નહીં રહેશે. એક અઠવાડિયાની અંદર જળાશયોમાં વરસાદ પડવાનું શરૂ થવું જોઈએ. ત્યાં સુધી મુંબઈગરાએ પાણી સાચવીને વાપરવું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
કયાં જળાશયમાં કેટલું પાણી
અપ્પર વૈતરણાની પાણી સંગ્રહની ક્ષમતા 2,27,047 મિલિલિટર હોઈ હાલમાં તેમાં 00.00 જથ્થો છે. મોડક સાગરની 1,28,925 મિલિલિટર છે, જેમં હાલ 46,639 મિલિલિટર પાણી છે. તાનસાની 1,45,080ની ક્ષમતા સામે 10,859, મધ્ય વૈતરણાની 1,93,530ની ક્ષમતા સામે ફક્ત 44,490, ભાતસાની 7,17,037ની ક્ષમતા સામે 1,04,210, વિબારની 27,698 ક્ષમતા સામે 3645 અને તુલસીની 8046 મિલિલિટર ક્ષમતા સાથે ફક્ત 2319 મિલિલિટર પાણી બચ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.