શિવસેના દ્વારા કોંગ્રેસને હંમેશાં ભીંસમાં લેવામાં આવે છે. સત્તા માટે શિવસેનાની બેવડી ભૂમિકા કોંગ્રેસ માટે જોખમી છે એવો બળાપો કોંગ્રેસના નેતાઓએ ઠાલવ્યો છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે ગુરુવારે ગંભીર આરોપ કરતાં જણાવ્યું કે વોર્ડની પુનર્રચના અને અનામતની લોટરીની પ્રક્રિયા વિશિષ્ટ લોકોને ખુશ કરવા માટે કરાઈ છે. એકંદરે અમને એવું લાગે છે કે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે કોઈકના દબાણ હેઠળ આ કામ કર્યું છે, જેમાં ફક્ત કોંગ્રેસને અન્યાય થયો છે.
આ શિવસેનાનો દાવ છે. અમે આ સમે કોર્ટમાં જઈશું.આ સમયે કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા, માજી મનપા વિરોધી પક્ષ નેતા રવિ રાજા, પ્રવક્તા યુવરાજ મોહિતે, બબ્બુ ખાન હાજર હતા.આમ, મહાપાલિકાની ચૂંટણીનાં પડઘમ વાગવા પૂર્વે જ રાજ્યમાં નારાજીના ઢોલ વાગવાનું શરૂ થયું છે. મુંબઈમાં શિવસેનાના દ્વારા કોંગ્રેસને ભીંસમાં લેવાની હોવાનો આરોપ કોંગ્રેસના નેતા રવિ રાજાએ અગાઉ કર્યો હતો. સત્તા માટે શિવસેના બેવડી ભૂમિકા લે છે, જે કોંગ્રેસ માટે જોખમી હોવાનો મત મિલિંદ દેવરાએ વ્યક્ત કર્યો છે.
મહાપાલિકાની ચૂંટણી માટે વોર્ડના અનામતની લોટરી મંગળવારે જાહેર કરવામાં આવી અને કોંગ્રેસના 29 નગરસેવકમાંથી 21 નગરસેવકો વોર્ડ અનામતમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુંબઈમાં વોર્ડ પુનઃરચના અને વોર્ડ અનામતનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે. તેની પર હવે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, મિલિંદ દેવરા અને રવિ રાજાએ ખુલ્લેઆમ નારાજી વ્યક્ત કરી હતી. હવે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે પણ નારાજી જાહેર કરી છે. આ સાથે કોર્ટમાં જવાની ધમકી આપી છે.અગાઉ નાના પટોલેએ જણાવ્યું રે મિલિંદ દેવરાએ જે મત રજૂ કર્યો છે તે જ મત મેં પણ અગાઉ રજૂ કર્યો હતો.
ખોટી વોર્ડ રચના થઈ છે ત્યાં અમારો વિરોધ ચાલુ રહેશે. આ સાથે કોંગ્રેસમાંદરેકને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.29માંથી 21 નગરસેવકોની જગ્યા જોખમમાં : મુંબઈમાં કોંગ્રેસ ગત ચૂંટણીમાં 29 નગરસેવક ચૂંટી લાવી હતી. વોર્ડ પુનઃરચનાને લીધે 29માંથી 21 નગરસેવકોની જગ્યા જોખમમાં આવી છે.
આમાં માજી વિરોધી પક્ષ નેતા રવિ રાજા, સુફિયાન વનુ, કમરજહાં સિદ્દિકી, આસિફ ઝકરિયાના વોર્ડ જોખમમાં આવી ગયા છે. નગરવિકાસ ખાતાના નિર્દેશ પરથી પ્રશાસને વોર્ડ પુનઃરચના અને અનામતમાં ફેરફાર કર્યો હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસનો મુંબઈમાંથી એકડો કઈ રીતે નીકળી જાય તેની આ રમત હોવાનું પણ તેમણે જણાવ્યું છે. કોંગ્રેસનો સીધો નિર્દેશ શિવસેના તરફ જ છે.
અસ્તિત્વ માટે કોંગ્રેસની લડાઈ
મહાવિકાસ આઘાડીના ત્રણ પક્ષ રાજ્યનું ગાડું હાંકી રહ્યા છે. જોકે સરકાર ચલાવતી વખતે ઘણી વાર મહાવિકાસ આઘાડીમાં બિઘાડી પણ સપાટી પર આવે છે. આ વિશે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાસણ સાથે વાસણ અથડાવાનું જ છે એવો ઉત્તર રાષ્ટ્રવાદી અને શિવસેના દ્વારા આપવામાં આવે છે. આથી હાલમાં સત્તામાં હોવા છતાં કોંગ્રેસની અસ્વસ્થતા છૂપી રહી નથી. પોતાના અસ્તિત્વ માટે કોંગ્રેસને લડવું પડી રહ્યું છે, પરંતુ હવે કોંગ્રેસની આ જ લડાઈ કોર્ટના પગથિયા સુધી જવાની શક્યતા છે.
રાજકીય નિરીક્ષકોની કોંગ્રેસને સલાહ
સત્તામાં હોવા છતાં એકાદ પક્ષ જો અસ્તિત્વ માટે લડતો હોય તો તે અસ્વસ્થતા મોટી હોય છે. કોંગ્રેસને આગામી મહાપાલિકાની ચૂંટણીમાં નવજીવન મળ્યું તો ફરીથી મહારાષ્ટ્રમાં પગ જમાવીને ઊભા રહેવા માટે નવું બળ મળશે, પરંતુ ફક્ત વોર્ડરચના અને અનામતને લીધે સુમેળ નહીં થાય એવો આરોપ કોંગ્રેસ કરતી રહેશે તો કૃતિશૂન્યતા જ કોંગ્રેસને અંધકારની ગર્તામાં ધકેલી શકે છે એવું અમુક રાજકીય નિરીક્ષકોનું માનવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.