ચૂંટણીનો જંગ:રાજ્યસભાની છ બેઠક માટે મતદાન, શિવસેના અને ભાજપ વચ્ચે રસાકસી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમુખ અને મલિકને મતદાન અધિકાર નકારતાં આઘાડીને ફટકો
  • દરેક પક્ષ દ્વારા પોતાના વિધાનસભ્યો અને નાના પક્ષોની પંપાળ

રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને માજી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન રાજ્યસભાની છ બેઠક માટે શુક્રવારે મતદાન બાબતે ભારે ઉત્સુકતા છે. ભાજપે તેના ક્વોટાના બે ઉપરાંત વધુ એક ઉમેદવાર ઉતારતાં ચૂંટણી આવી પડી છે.

આ મતદાનમાં એક- એક મતનું મહત્ત્વ છે ત્યારે જેલમાં સબડી રહેલા આઘાડીના બે નેતા અનિલ દેશમુખ અને નવાબ મલિકને વિધાનસભામાં જઈને મતદાન કરવા માટે વિશેષ કોર્ટ અને હાઈ કોર્ટે પણ ઈનકાર કર્યો છે. ભાજપ અને શિવસેના સહિત બધા જ પક્ષો ગુરુવારે પોતાના વિધાનસભ્યો સાથે નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોની પંપાળ કરી રહ્યા હતા, જેઓ કોની તરફ છે તે હવે પરિણામ પછી જ જાણી શકાશે.

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે શિવસેના અને ભાજપ વચ્ચે રસાકસી છે. આથી આ બંને પક્ષનો આધાર વિધાનસભ્યો સાથે અન્ય પક્ષો પર છે.​​​​​​​ આવા સંજોગોમાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં જેલમાં સબડતા રાષ્ટ્રવાદીના નેતાઓ અનિલ દેશમુખ અને નવાબ મલિકને મતદાનનો અધિકાર આપવાનો ગુરુવારે વિશેષ કોર્ટ અને હાઈ કોર્ટે ઈનકાર કરી દીધો હતો, જેને લીધે આઘાડીના બે મત ઓછા થઈ ગયા છે.દરમિયાન દેશમુખ અને મલિકને મતદાન કરવાની પરવાનગી નહીં મળતાં રાજ્યસભામાં ચૂંટાઈ આવવા માટે અગાઉ 42 મતની જરૂર હતી તે ક્વોટા ઘટાડીને હવે 41 મત કરાયો છે.

ભાજપ બે વિધાનસભ્યને એરલિફ્ટ કરશે : શિવસેના અને ભાજપ છઠ્ઠી બેઠક પોતે જ જીતશે એવો છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે. આથી એક- એક મત ભેગા કરી રહ્યા છે. ભાજપના ચિંચવડના લક્ષ્મણ જગતાપ અને કસબા પેઠનાં મુક્તા ટિળક ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. તેમને મતદાન માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવાનું નિયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

બે દાયકા પછી ચૂંટણી
મહારાષ્ટ્રમાં છેલ્લા બે દાયકાથી રાજ્યસભામાં વિપક્ષ- શાસકની સમજૂતીથી ચૂંટણી બિનવિરોધ થઈ રહી છે, પરંતુ બે દાયકા પછી આઘાડી અને ફડણવીસ વચ્ચે વાટાઘાટ નિષ્ફળ જતાં રાજ્યસભાની મહારાષ્ટ્રમાં ચૂંટણી જોવા મળશે. છ બેઠક માટે સાત ઉમેદવાર છે. રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના પ્રત્યેકી એક-એક ઉમેદવાર છે. શિવસેનાના બે ઉમેદવાર છે, જ્યારે ભાજપે ત્રણ ઉમેદવાર ઉતાર્યા છે. દરેક પક્ષના મતના ક્વોટા પ્રમાણે પાંચ ઉમેદવાર આસાનીથી ચૂંટણી આવશે, પરંતુ શિવસેનાના સંજય પવાર અને ભાજપના ધનંજય મહાડિક વચ્ચે રસીકસી થવાની છે. બંનેનો આધાર નાના પક્ષો અને અપક્ષોના 29 મત પર છે.

શરદ પવાર મેદાનમાં ઊતર્યા
દરમિયાન ગુરુવારે શરદ પવાર પણ મેદાનમાં ઊતર્યા હતા. તેમણે લખનૌથી વિરાર સુધી ફોનાફોની કરી હતી, જેને લઈ સમાજવાદીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહારાષ્ટ્રના સમાજવાદીના પ્રદેશાધ્યક્ષ અબુ આઝમીને આઘાડીને ટેકો આપવાની સૂચના આપી હતી. તેમના બે મત છે. બહુજન વિકાસ આઘાડીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરના પણ બે મત છે, જેમને પણ પવારે ફોન કરતાં આ ચાર મત હવે આઘાડીને મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...