મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ પાર્ટી હાઈ કમાન્ડના નિર્ણય વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે યુપીના ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવારી અપાઈ તેનો જોરદાર વિરોધ કરતાં વિદર્ભના ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. આશિષ દેશમુખે વિદર્ભના મહાસચિવપદેથી રાજીનામું આપી દીધું છે.
એઆઇસીસી સભ્ય વિશ્વબંધુ રાયે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી હારી જવાની સંભાવના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “પ્રતાપગઢીની રાજકીય સ્થિતિ નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પણ નથી. ઠાકરે સરકારના કાર્યકાળ દરમિયાન, કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પહેલેથી જ ઉપેક્ષિત અને અપમાનિત અનુભવતા હતા અને હવે પક્ષની ટોચની નેતાગીરીએ પણ તેમની અવગણના કરી છે.
અભિનેતાઓ અને કોંગ્રેસના નેતાઓ નગમા અને પવન ખેડા પહેલા જ ઇમરાન પ્રતાપગઢીને રાજ્યસભા માટે નોમિનેશન પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે પણ પાર્ટીના ટોચના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મુકુલ વાસનિકને રાજસ્થાનના બદલે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં મોકલવાની માંગ કરી છે. પરંતુ આમ છતાં ઈમરાન પ્રતાપગઢીને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મહાભારત અટકવાનું નામ નથી લઈ રહ્યું.
કોંગ્રેસના નેતાઓ કવ્વાલી શીખેઃ દેશમુખ - વિદર્ભના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશિષ દેશમુખે પ્રદેશ મહાસચિવ પદેથી રાજીનામું આપતા કહ્યું કે, હવે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ હવે પાર્ટીના નેતાઓને કવ્વાલી અને મુશાયરા કરતા શીખવવું જોઈએ કારણ કે ઈમરાન પ્રતાપગઢીની આ ખાસિયતને કારણે જ તેઓને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દેશમુખે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે ચૂંટણી લડી હતી. નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે જ્યારે હું દેવેન્દ્ર ફડણવીસ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો ત્યારે પાર્ટીની ટોચની નેતાગીરીએ મને રાજ્યસભામાં મોકલવાનું આશ્વાસન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.