ટ્રેશ બુમ ટેકનોલોજી:નદીનાળામાં તરતો કચરો કાઢવા ટ્રેશ બુમ ટેકનોલોજીનો ઉપયોગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાએ 3 મહિનામાં સાડા દસ હજાર ક્યુબિક મીટર કચરો કાઢ્યો

મુંબઈના નદીનાળામાં વહેતો કચરો સીધો સમુદ્રમાં ન જાય એ માટે મહાપાલિકા તરતો કચરો ટ્રેશ બુમ ટેકનોલોજીથી કાઢી રહી છે. સરકતા પટ્ટા અને ટ્રેશ બુમની મદદથી તરતો કચરો ભેગો કરવા 8 ઠેકાણે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે છેલ્લા ત્રણ મહિનામાં 10 હજાર 500 ક્યુબિક મીટર તરતો કચરો કાઢીને ભેગો કરવામાં આવ્યો છે. ડમ્પરની મદદથી 750 ફેરી થકી આ કચરાને તરતો લઈ જઈને યોગ્ય રીતે નાશ કરવામાં આવ્યાની માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી હતી. મહાપાલિકા મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા અનેક ઉપક્રમ ચલાવે છે.

એમાં જળપ્રદૂષણ રોકવા નદીનાળાની સ્વચ્છતાને પણ મહત્વ આપવામાં આવે છે. ઉપરાંત સમુદ્રકિનારા સ્વચ્છ કરવા, મેનગ્રોવ્ઝનું ક્ષેત્ર પ્લાસ્ટિકમુક્ત કરવું, પ્લાસ્ટિક સહિત બીજો કચરો સમુદ્રમાં વહી જાય એ પહેલા અટકાવવો અને યોગ્ય રીતે નાશ કરવો જેવા કામ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપક્રમમાં ફક્ત વિદેશમાં વપરાતી ટ્રેશ બુમ ટેકનોલોજી અથવા ટ્રશનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ, અતિરિક્ત આયુક્ત પી.વેલરાસુના માર્ગદર્શન હેઠળ પાઈપલાઈન વિભાગ દ્વારા આ કામ કરવામાં આવે છે.

પશ્ચિમ ઉપનગરોમાં જુહુના ગઝધરબંધ નાળુ તેમ જ મેઈન એવેન્યૂ નાળુ, અંધેરીનું મોગરા નાળુ, ઓશિવરા નદી, પોઈસર નદી, દહિસર નદી, કાકોલા નદી, પૂર્વના ઉપનગરોમાં મીઠી નદી (બીકેસી લિન્કબ્રિજ) જેવા આઠ ઠેકાણે ટ્રેશ બુમ સિસ્ટમ લગાડવામાં આવી છે. મીઠી નદી જ્યાં માહિમ નેચર પાર્ક પાસે છે ત્યાં આગામી એક અઠવાડિયામાં આ ટેકનોલોજી લગાડવામાં આવશે. આ કામ માટે કુલ 45 કરોડ 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...