મુંબઈના કુર્લા પશ્ચિમ ખાતે ગોળીબારની ઘટના બની હતી. મુંબઈ મહાપાલિકાના કોન્ટ્રેક્ટર પર બે અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોન્ટ્રેક્ટર સૂરજ પ્રતાપસિંહ કામ પતાવીને ઘરે પાછો ફરી રહ્યો હતો એ સમયે બે અજ્ઞાત વ્યક્તિઓએ આવીને તેની કાર પર ગોળીઓ છોડી હતી.
આ ઘટનાથી પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી એવી માહિતી પોલીસે આપી હતી. કુર્લાના કાપડિયાનગર ખાતે મહાપાલિકાના કોન્ટ્રેક્ટર તરીકે કામ કરતા સૂરજપ્રતાપ સિંહ કામ પૂરું કરીને ઘરે પાછા જઈ રહ્યા હતા. બોરીવલી સ્થિત પોતાના ઘરે જવા તે પોતાની કારમાં કુર્લાથી નીકળ્યો હતો. કાપડિયા જંકશન ખાતે કાર પહોંચતા બે અજ્ઞાત શખસ ત્યાં આવ્યા અને કાર પર ગોળીઓ છોડી હતી.
કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી બંને ત્યાંથી નાસી ગયા હતા. સદનસીબે સૂરજપ્રતાપ અને કારના ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નહોતી. આ ઘટના પછી સૂરજપ્રતાપ પોલીસ સ્ટેશન ગયા હતા અને તમામ ઘટનાની માહિતી આપી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. આજુબાજુના પરિસરના સીસી ટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.