માગણી:ચૂંટણી પંચના નિર્દેશ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે ફરી સુપ્રીમ કોર્ટમાં

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના પક્ષ સંદર્ભે ઠાકરે અને શિંદે જૂથે કાગળપત્ર રજૂ કરવાના છે

મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્તવ હેઠળના શિવસેનાના બળવાખોર જૂથે શિવસેના પક્ષ પરનો પોતાનો દાવો રજૂ કરતા સીધા ચૂંટણી પંચ પાસે માગણી કરી છે. એ પછી ચૂંટણી પંચે પણ કાર્યવાહી શરૂ કરતા બંને જૂથને શિવસેના પર દાવા સંદર્ભે કાગળપત્ર રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જૂથ શિંદે જૂથની આ માગણીનો વિરોધ કરતા સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં ઠાકરે જૂથે એકનાથ શિંદે જૂથની માગણી પરથી ચૂંટણી પંચે શરૂ કરેલી કાર્યવાહી પર સ્ટે આપવાની માગણી કરી છે. આ પ્રકરણમાં બીજી અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિલંબિત છે. તેથી ચૂંટણી પંચ એના પર કાર્યવાહી કરી શકે નહીં એવી દલીલ ઠાકરે જૂથની અરજીમાં કરવામાં આવી છે. શિવસેનામાં બળવાખોરી પ્રકરણે પહેલાં જ દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીની સુનાવણી 20 જુલાઈના થઈ હતી અને હવે આગામી સુનાવણી 1 ઓગસ્ટના રાખવામાં આવી છે.

શિંદે જૂથના 16 બળવાખોર વિધાનસભ્યોનું સભ્ય રદ કરવાની ઠાકરે જૂથની અરજી સંબંધે વિધાનસભાના ઉપાધ્યક્ષ, શિવસેના અને કેન્દ્રને નોટિસ આપવામાં આવી હતી. બીજું, આ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં હોવા છતાં રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ લેવાના નિર્દેશ આપ્યા હતા તેની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ત્રીજું, શિવસેનાના નવા જૂથને સભાગૃહમાં માન્યતા આપવા વિરુદ્ધ ઉદ્ધવ જૂથે દાખલ કરેલી અરજી પર એકનાથ શિંદેને મુખ્ય મંત્રીપદ માટે આમંત્રિત કરનાર રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ ઠાકરે જૂથે અરજી કરી છે.

પક્ષ બચાવવા ઉદ્ધવની સતત બેઠક
શિવસેના કોની એના પરથી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંઘર્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે ત્યારે બીજી તરફ પક્ષને બચાવવા માટે યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે રાજ્યના પ્રવાસે છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સતત બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં જુદા જુદા પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓને ભાવનાત્મક હાકલ કરવામાં આવી રહી છે. ઉપરાંત પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે વિધાનસભ્ય, સંસદસભ્ય, નગરસેવક, પદાધિકારીઓની હકાલપટ્ટી કરવાનું પણ સતત ચાલુ છે. શિંદે જૂથમાં દાખલ થયેલા બુલડાણાના સંસદસભ્ય પ્રતાપરાવ જાધવની શિવસેના જિલ્લા સંપર્કપ્રમુખ પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...