દુર્ભાગ્યપૂર્ણ ઘટના:વાડામાં વૈતરણામાં બે યુવાનનાં ડૂબી જતાં મોત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને યુવાન થાણેના રહેવાસી હતા

પાલઘરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં વાડા તાલુકાના અવંધે ખાતે વૈતરણા નદીમાં નાહવા ગયેલા બે યુવાનનાં ડૂબીને મોત થયાં હતાં. આ ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.થાણેના રહેવાસી સુનીલ બાબુ ડીકે (30) અને કાર્તિક જાનુ કોડે (17) શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ વૈતરણા નદીમાં નાહવા માટે ઊતર્યા હતા. જોકે નદીના ઊંડાણથી વાકેફ નહીં હોવાથી તેઓ ડૂબી ગયા હતા. યુવાનોને ડૂબતા જોનારા રાહદારીઓએ બૂમો પાડ્યા બાદ સ્થાનિક નાગરિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુનીલ નામના ત્રીસ વર્ષના યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુનીલનું મોત નીપજ્યું હતું.

બીજી બાજુ રાત થતાં અન્ય યુવાનની શોધખોળમાં મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી રાત્રે શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી. શનિવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.સ્થાનિકોની મદદથી બીજા ડૂબી ગયેલા યુવાન કાર્તિકનો મૃતદેહ શોધવામાં પોલીસને સફળતા મળી હતી. વાડા તાલુકામાં મોટી ઔદ્યોગિક વસાહત હોવા છતાં કુદરતી આફતને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ અને જરૂરી સાધનો અને રેસ્ક્યુ ટીમના અભાવે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી નૈસર્ગિક આપત્તિઓને પહોંચી વળવા માટે જરૂરી ફાયર બ્રિગેડ તંત્ર અને લાઈફગાર્ડની ટીમમાં ક્યારે ઊભી થશે તેવો પ્રશ્ન સ્થાનિક નાગરિકો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...