પોલીસ દ્વારા શોધખોળ શરૂ:ભારતીય પાસપોર્ટ સાથે મુંબઈમાં બે શંકાસ્પદ બંગલાદેશી આતંકી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ભારતીય પાસપોર્ટ સાથે ઘૂસેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની મુંબઈ પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે. આ બંને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સર્બિયા જવાના હતા, પરંતુ તેમની પાસે દસ્તાવેજો પૂરતા નહીં હોવાથી તેમને વિમાનમાં જવા દેવાયો નહોતા, એમ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

એરપોર્ટના ફોરેન રિટર્ન સિટીઝન (એફઆરસી) ડેસ્કને 18 જુલાઈના રોજ ઈમેઈલ પ્રાપ્ત થયો હતો, જેમાં એવી માહિતી આપવામાં આવી કે સુજાન સરકાર અને સમીર રોય નામે ભારતીય પાસપોર્ટ સાથેના બે પ્રવાસી બંગલાદેશી આતંકવાદી છે. ઈમેઈલ મોકલનારે બંનેની ધરપકડ કરવા માટે પ્રશાસનને વિનંતી કરી હતી. આ ઈમેઈલ પ્રાપ્ત થયા પછી પોલીસ સહિતની બધી સંબંધિત એજન્સીઓને બે શકમંદ વિશે સતર્ક કરવામાં આવ્યા હતા અને બંનેની હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બંને 18 જુલાઈના રોજ એરપોર્ટ પર હતા અને સર્બિયાની ફ્લાઈટ પકડવાના હતા. જોકે તેઓ અમુક દસ્તાવેજો રજૂ નહીં કરી શકતાં એરલાઈનના સત્તાવાળાઓએ તેમને પ્રવાસ કરવાથી રોક્યા હતા. બંને હજુ પણ મુંબઈમાં જ છે એવી પોલીસને શંકા છે.

આથી તેમની શોધ શરૂ કરવામાં આવી છે. બંને પાસે એજન્ટ દ્વારા બનાવવામાં આવેલા નકલી પાસપોર્ટ હોઈ શકે છે અને હરીફ એજન્ટ દ્વારા એરપોર્ટ પ્રશાસનને ઈમેઈલ મોકલવામાં આવ્યો હશે એવી શંકા છે. આ સંબંધમાં હમણાં સુધી કોઈની સામે એફઆઈઆર દાખલ કરાઈ નથી, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...