લોકમાન્ય તિલક ટર્મિનસની મેલ-એક્સપ્રેસ ટ્રેન છોડવાની ક્ષમતા વધશે. આ ટર્મિનસમાં બે નવા પ્લેટફોર્મ બાંધવામાં આવી રહ્યા છે. આ કામ પૂરું થવા માટે એક વર્ષ લાગશે એવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી. એ પછી નવા પ્લેટફોર્મ શરૂ થતાં જ એલટીટીથી 24 ડબ્બાની વધુ કેટલીક ટ્રેન છોડવામાં આવશે. તેથી સીએસએમટી પરનો મેલ-એક્સપ્રેસ છોડવાનો ભાર ઓછો થશે.
સીએસએમટી, દાદર ખાતેથી મોટા પ્રમાણમાં મેલ-એક્સપ્રેસ ટ્રેન છૂટે છે. એટલી જ ટ્રેન પાછી આવે છે. ગિરદીના સમયમાં તો સ્પેશિયલ ટ્રેનનો ઉમેરો થાય છે. ઉપરાંત એલટીટીથી દરરોજ 32 થી 36 ટ્રેનની અવરજવર થાય છે. છેલ્લા થોડા વર્ષમાં પ્રવાસીઓની માગણી અનુસાર મધ્ય રેલવેના સીએસએમટી, દાદર, એલટીટીથી છોડવામાં આવતી મેલ-એક્સપ્રેસની સંખ્યા વધી રહી છે.
જગ્યા ન હોવાથી ત્રણ સ્ટેશન પર તાણ વધે છે અને મધ્ય રેલવેની લાંબા અંતરની ટ્રેનનું ટાઈમટેબલનું નિયોજન થોડા પ્રમાણમાં ખોરવાય છે. આ પાર્શ્વભૂમિ પર એલટીટીમાં 24 ડબ્બાની મેલ-એક્સપ્રેસ ટ્રેન માટે વધુ બે પ્લેટફોર્મ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. એમાં પ્લેટફોર્મ, પાટા સહિત બીજા કેટલાક ટેકનિકલ કામ કરવામાં આવશે.
અત્યારે એલટીટીમાં 1 થી 5 નંબર પ્લેટફોર્મ છે જ્યાંથી 24 ડબ્બાની મેલ-એક્સપ્રેસ ટ્રેન છૂટે છે અને આવે છે. બે નવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે તો મેલ-એક્સપ્રેસની સંખ્યા વધશે. ઉપરાંત સીએસએમટી પરની કેટલીક ટ્રેન એલટીટીથી છોડવાનું નિયોજન છે. અત્યારે નવા પ્લેટફોર્મનું કામ ચાલુ છે અને ડિસેમ્બર 2023 સુધી પૂરું કરવામાં આવશે. એ પછી આ બે નવા પ્લેટફોર્મ પરથી પણ મેલ-એક્સપ્રેસ ટ્રેન છોડવામાં આવશે એમ મધ્ય રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી એ.કે.સિંહે જણાવ્યું હતું. આ પ્લેટફોર્મના કામ માટે કુલ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સીએસએમટીમાં ચાર પ્લેટફોર્મનું વિસ્તરણ
સીએસએમટીથી એક્સપ્રેસની અવરજવર વધવાથી મધ્ય રેલવેએ 2003માં સૌ પ્રથમ એલટીટીનું વિસ્તરણ કર્યું હતું. એ પછી નવા એલટીટી સ્ટેશને એપ્રિલ 2013માં બાંધવામાં આવ્યું. હવે આ ટર્મિનસનું વિસ્તરણ કરવામાં આવ્યું. એ સાથે જ સીએસએમટીમાં ટ્રેનની ક્ષમતા વધારવા માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ ચાલુ છે.
સીએસએમટીના પ્લેટફોર્મ નં. 10 અને 11 ફક્ત 13 ડબ્બાની ટ્રેન, પ્લેટફોર્મ નં. 12 અને 13 ફક્ત 17 ડબ્બાની ટ્રેન માટે છે. 24 ડબ્બાની એક્સપ્રેસ ટ્રેન માટે આ ચાર પ્લેટફોર્મનું વિસ્તરણ કરવાનું કામ ચાલુ છે. એલટીટીમાં નવા પ્લેટફોર્મ બાંધવાનું કામ ચાલુ હોવાથી નેત્રાવતી, મત્સ્યગંધા, કામખ્યા એક્સપ્રેસ અત્યારે પનવેલથી છોડવામાં આવે છે. 12 ડિસેમ્બર પછી આ ટ્રેન ફરીથી એલટીટીથી છોડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.