દુનિયામાં ટોપ 10 મેરેથોનમાંથી એક ટાટા મુંબઈ મેરેથોન 2023 રવિવાર, 15 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાઈ રહી છે તેમાં હાથનું પ્રત્યારોપણ કરાવનારી મોનિકા મોરે અને એશિયાનો સૌપ્રથમ હાથ પ્રત્યારોપણ પ્રાપ્તિકર્તા પ્રથમેશ તાવડે પણ જોડાશે. બંનેનું પ્રત્યારોપણ પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં કરાયું હતું.
અંગદાન વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે.અંગદાન વિશે લોકોનો વિચાર બદલવાની જરૂર છે. આ ધ્યાનમાં રાખીને મુંબઈ મેરેથોનના માધ્યમથી અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો નિર્ણય લેવાયો છે. હોસ્પિટલના પ્લાસ્ટિક, હેન્ડ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. નીલેશ સતભાઈએ જણાવ્યું હતું કે અંગદાન એક નિઃસ્વાર્થ મહાન કાર્ય છે.
મૃત્યુ પછી અંગદાન કરવાથી કોઈ અન્ય વ્યક્તિને નવું જીવન મળી શકે છે. આ કોઈ એવી વ્યક્તિને જીવનનો બીજો મોકો પ્રદાન કરી શકે છે, જેના પરિવારના કોઈ સભ્ય અથવા સ્વજન કોઈ ગંભીર બીમારીથી પીડિત છે.
હાથ પ્રત્યારોપણ કરાયેલી મોનિકા મોરે અને પ્રથમેશ તાવડે ડોક્ટર અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ સાથે મળીને આ મેરેથોનમાં અંગદાનના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, એમ સીઈઓ ડો. વિવેક તલૌલીકરે જણાવ્યું હતું. આટલું જ નહીં, લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા મોનિકા અને પ્રથમેશ ડ્રીમ રનમાં ભાગ પણ લેશે, જે માટે અમને ગૌરવની લાગણી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.