વિક્રોલીમાં લિફ્ટ ટ્રોલી તૂટી પડવાથી એક કામદારના મોતની ઘટના તાજી છે ત્યારે સોમવારે વરલીમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં બે કામદારનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના વરલીના અવિઘ્ન ટાવરમાં બની હતી. આ પોડિયમ પ્લસ 15 માળની ઇમારત છે.આ ઈમારતનું બાંધકામ પૂર્ણ થયું હતું.
મહાપાલિકાના જણાવ્યા અનુસાર વરલીમાં બી.કે. ખેર રોડ પર પોડિયમ પ્લસ 15 માળના ઈમારત અવિઘ્ન ટાવરમાં સોમવારે બપોરે 4.33 કલાકે લિફ્ટ ટ્રોલીમાં બેસીને બે કામગાર કાચ સાફ કરતા હતા એ દરમિયાન ટ્રોલી તૂટી પડી હતી. લિફ્ટ 15મા માળથી લિફ્ટ તૂટી પડીને નીચે આવી હતી, જેમાં બેઠેલા બે જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક નાગરિકોએ બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં ટ્રોલી લિફ્ટ તૂટી પડતાં કામદારોનાં મોત થયાં છે. અગાઉ 4 જાન્યુઆરીના વિક્રોલીમાં સિદ્ધિવિનાયક સોસાયટીની પાર્કિંગ લિફ્ટ તૂટી પડતાં એક કામદારનું મૃત્યુ થયું હતું. મૃતક કામદારનું નામ શિવમ જયસ્વાલ હતું. લિફ્ટ તૂટી પડતાં જયસ્વાલને દોઢ કલાક બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે જયસ્વાલ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શ્રી સિદ્ધિવિનાયક કો- ઓપરેટિવ પાસે વિક્રોલી ખાતે 23 માળની બિલ્ડિંગ છે. આ સોસાયટીની પાર્કિંગ લિફ્ટનું કામ શરૂ થયું હતું. પાર્કિંગ લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે 23મા માળેથી છત તૂટી પડી હતી. આ સમયે લિફ્ટમાં ચાર કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે આ કામદારો પૈકી એકનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.