વિશ્વવિક્રમ:કોસ્ટલ રોડ ખાતેના ટનલ બોરીંગ મશીનનો ખોદકામમાં વિશ્વવિક્રમ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનામાં 456 મીટર બોગદાનું ખોદકામ કર્યું

મહાપાલિકા તરફથી બાંધવામાં આવતા કોસ્ટલ રોડ પ્રકલ્પના ટનલ બોરીંગ મશીને ખોદકામમાં વિશ્વવિક્રમ બનાવ્યો છે. પ્રકલ્પના બીજા બોગદાના કામમાં 456.724 મીટર ખોદકામ એક મહિનામાં અને 140.168 મીટર બોગદું એક અઠવાડિયામાં ખોદવાનું કામ કર્યું છે. આ વિક્રમ પહેલાં તુર્કીના એક રેલવે પ્રોજેક્ટમાં અનુક્રમે 455.4 મીટર અને 133.2 મીટર નોંધવામાં આવ્યો હતો. મુંબઈના ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા પ્રિયદર્શીની પાર્કથી વરલી સીલિન્ક વચ્ચે 10.58 કિલોમીટરનો કોસ્ટલ રોડ બાંધવામાં આવી રહ્યો છે. આ કામમાં બે મોટા બોગદા બાંધવામાં આવી રહ્યા છે.

ચાર માળાની ઈમારત જેટલા ઉંચા ટનલ બોરીંગ મશીનથી 2.072 કિલોમીટરના બોગદા ખોદવામાં આવી રહ્યા છે. એમાંથી પહેલા બોગદાનું કામ 10 જાન્યુઆરી 2022ના પૂરું થયું છે. અતિરિક્ત આયુક્ત અશ્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ પ્રકલ્પનું કામ ચાલુ છે. હાલની સ્થિતિમાં પ્રકલ્પનું કુલ 59 ટકા કામ પૂરું થયું છે.

પ્રકલ્પનું કામ નવેમ્બર 2023 સુધી પૂરું કરીને મુંબઈગરાઓ માટે શરૂ કરવાનું નિયોજન હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી હતી. આ પ્રકલ્પના બોગદા ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ ટેકનોલોજીથી બાંધવામાં આવી રહ્યા છે. આપત્કાલીન પરિસ્થિતિ ઊભી થાય તો પ્રવાસીઓ અને વાહન સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. કંટ્રોલ રૂમ, ઓટોમેટિક નિયંત્રણ અને પોલીસ જેવી સુરક્ષા યંત્રણા સાથે આ બોગદા જોડાયેલા રહેશે.

અન્ય સમાચારો પણ છે...