ભાસ્કર વિશેષ:લોકલ ટ્રેન ખોરવાય તો બસથી પ્રવાસ સરળ બનશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી અને બેસ્ટની 400થી વધુ બસ અલગ અલગ ઠેકાણેથી રવાના કરાશે

ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા બંધ થાય અથવા ખોરવાઈ જાય તો પ્રવાસીઓને હાડમારીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં પ્રવાસીઓ પોતાના નજીકના વિસ્તાર સુધી પહોંચી શકે તે માટે એસટી અને બેસ્ટની વધારાની સેવાઓ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી કટોકટીમાં 400થી વધુ બસ અલગ અલગ ઠેકાણેથી છોડવાની તૈયારી બેસ્ટે બતાવી છે, જ્યારે એસટી મહામંડળ દ્વારા 11 વધુ બસનું નિયોજન કરવાની તૈયારી બતાવવામાં આવી છે.

આ અંગે સમન્વય સાધવા માટે મહાપાલિકાના 24 વોર્ડ સ્તરે અને સંબંધિત સંસ્થાઓના સ્તરે સમન્વય અધિકારી નીમવાના નિર્દેશ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે અગાઉ આપ્યા છે, જે મુજબ નિયુક્તિઓ કરવામાં આવી છે.

ઉપરાંત લોકલ ટ્રેન બંધ થવાની પરિસ્થિતિમાં પ્રવાસીઓને જરૂર મુજબ પ્રાથમિક તબીબી ઉપચાર અને અન્ય જરૂરી મદદ આપવાનું નિયોજન કરવાના નિર્દેશ પણ તેમણે આપ્યા હતા.આ માટે મોક ડ્રિલ કરવાના નિર્દેશ પણ ચહલે આપ્યા છે. તેમના માર્ગદર્શનમાં આપત્કાલીન વ્યવસ્થાપન સંબંધી વિશેષ બેઠકનું ગુરુવારે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પૂર્વ ઉપનગરનાં એડિશનલ કમિશનર અશ્વિની ભિડે, શહેરના એડિશનલ કમિશનર આશિષ શર્મા, પ્રકલ્પના એડિશનલ કમિશનર પી. વેલરાસૂ, પશ્ચિમ ઉપનગરના ડો. સંજીવ કુમાર વગેરે હાજર હતા.

અતિજોખમી ઈમારત ખાલી કરાશે : દરમિયાન સી-1 શ્રેણીમાં આવતી અતિજોખમી ઈમારતના રહેવાસીઓને તુરંત ખાલી કરાવવામાં આવશે. આવા લોકો માટે સપ્ટેમ્બર આખર સુધી હંગામી રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલમાં જ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મહાપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી, જે સમયે તેમણે કેટલાંક સૂચનો કર્યાં હતાં, જે અનુસાર ગુરુવારે બેઠક યોજાઈ હતી.

ખાડાઓ 24 કલાકમાં ભરાશે
દરમિયાન મુંબઈના રસ્તાઓ પર પડતા ખાડાઓ વિશે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ અંગે વિવિધ માધ્યમથી અથવા હેલ્પલાઈનથી માહિતી મળતાં જ 24 કલાકમાં તે બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ફરિયાદ આવ્યા પછી ખાડા બુઝાવવા માટે 48 કલાકથી વધુ સમય નહીં થવો જોઈએ એવી સૂચના પણ ચહલે આપી હતી.

ચોમાસામાં ખાડા બુઝાવવા કોલ્ડમિક્સ સામગ્રી ઉપયોગ કરાય છે, પરંતુ વરસાદ નહીં હોય ત્યારે અન્ય પ્રકારની સામગ્રી નિર્ધારિત પદ્ધતિ અનુસાર ઉપયોગ કરવામાં આવશે. 24 વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના ક્ષેત્રમાં આવતા રસ્તાઓની નિયમિત રીતે દેખરેખ રાખવા અને ખાડા દેખાય તો તુરંત બુઝાવવાના નિર્દેશ પણ તેમણે આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...