તપાસ:ઉચ્ચ નફો અને યુવાનોની વધુ માગને કારણે ડ્રગ્સ મેફેડ્રોનની તસ્કરી વધી

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ બનાવવાની પદ્ધતિ ઓનલાઈન પણ ઉપલબ્ધ

ડ્રગ્સની ઉત્પાદન પદ્ધતિઓ વિશે ઓનલાઈન આસાનીથી મળતી માહિતી અને ડ્રગ્સના વેચાણમાંથી થતો ઉચ્ચ નફાને લઈને સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન અથવા એમડી ડ્રગ મુંબઈ અને પાડોશી શહેરોના તસ્કરોમાં લોકપ્રિય બની ચૂક્યું છે. ખાસ કરીને એમડી ડ્રગ્સ પાર્ટીઓમાં વધુ વપરાય છે અને યુવાનોમાં તેનું જબરદસ્ત ઘેલું છે. આથી પણ તેની માગણી વધુ છે.

તાજેતરમાં મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સૌથી વધુ ડ્રગ્સ કોઈ પકડાયું હોય તો તે મેફેડ્રોન છે. પાડોશી શહેરોમાં પણ આ જ ચીલો જોવા મળે છે. મુંબઈ કસ્ટમ્સ દ્વારા જૂન 2022માં 2043 કિલો જપ્ત ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. તેમાં 499.5 કિલો એફેડ્રાઈન, 882.69 કિલો મિથાએમ્ફેટામાઈન અને 238.2 કિલો મેફેડ્રોનનો સમાવેશ થાય છે. આ ડ્રગ્સના ઉત્પાદન વિશે ઈન્ટરનેટ પર આસાનીથી માહિતી મળી રહેતી હોવાથી તે લોકપ્રિય બન્યું છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મેફેડ્રોન ઉત્પાદનનો ખર્ચ એક ગ્રામ દીઠ રૂ. 50 આવે છે, જ્યારે તે એક ગ્રામ દીઠ રૂ. 1500થી રૂ. 2000 વચ્ચે વેચાય છે. નફાનું માર્જિન કોઈ પણ અન્ય ડ્રગ્સ કરતાં વધારે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.છેલ્લા ફક્ત એક મહિનામાં મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 6.38 કરોડ મૂલ્યનું 4.626 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. જૂન 2022માં મહાનગરમાં 83 ડ્રગ્સ સંબંધી કેસમાં કમસેકમ 99 જણની ધરપકડ કરવામાં આવી હતી. મેફેડ્રોનના તસ્કરોની વિતરણ ચેઈનમાં આફ્રિકન નાગરિકો પણ સંડોવાયેલા છે એવું તપાસમાં બહાર આ યં છે.

બીજી બીજા કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા પણ છેલ્લા થોડા મહિનામાં મુંબઈ અને આસપાસના શહેરોમાંથી કરોડો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2021માં એનસીબી દ્વારા દક્ષિણ મુંબઈમાં જે જે માર્ગ ખાતેથી રૂ. 1 કરોડનું 50 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામં આવ્યું હતું.

તપાસમાં એવું બહાર આવ્યું કે નાઈજીરિયન નાગરિક પરામાં તેના ભાડાના ઘરમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો.અગાઉ મુંબઈમાં તસ્કરી કરતા આફ્રિકન ડ્રગ્સ તસ્કર કોકેઈનની હેરાફેરી વધુ કરતા હતા, પરંતુ હવે તેઓ મેફેડ્રોન, એક્ટેસી અને એમડીએમએ ડ્રગ્સ તરફ વળ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આફ્રિકન તસ્કરોની સંડોવણી
મુંબઈમાં આફ્રિકન ડ્રગ તસ્કરો તેમની પોતાની નાની વિતરણ કાર્ટેલ બનાવે છે અને સામાન્ય રીતે સ્થાનિક તસ્કરો પર આધાર રાખતા નથી. તેમની ભાષા સમજમાં આવતી નહીં હોવાથી અને અમુક વાર હિંદી કે અંગ્રેજી અથવા મરાઠી થોડું ઘણું પણ જાણતા હોવા છતાં તેઓ ભાષા સમજતા નથી એવો દેખાડો કરતા હોવાથી તેમની પૂછપરછ મોટો પડકાર બની જાય છે.

પોલીસ સામે પડકાર
મુંબઈ પોલીસ સામે આવા અનેક પડકારો છે. છતાં અમે શહેરમાંથી આ દૂષણને દૂર કરવા માટે અહોરાત્ર કામ કરી રહ્યા છીએ. જો લોકો તેમના વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી વિશે માહિતી આપશે તો પોલીસને ભરપૂર મદદ થઈ શકશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...