નિર્ણય:અનબ્રાન્ડેડ પેક અનાજ પર GSTના વિરોધમાં 16મી એ વેપારીઓનો બંધ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રોમા હાઉસમાં રાજ્યભરના વેપારી આગેવાનોની બેઠકમાં નિર્ણય

નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવાં વિવિધ આવશ્યક અનાજ પર 5 ટકા જીએસટી લાદવાના નિર્ણયથી દેશના સમગ્ર વેપારીઓ વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ આંદોલન કરી રહ્યા છે. આ નિર્ણયથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઈ-કોમર્સ અને ઓનલાઇન વેપારને લીધે મોટા ભાગનો વેપાર ખતમ થઇ ગયો છે. તેની ઉપર સરકાર 5 ટકા જી.એસ.ટી. લગાડીને વેપારને સંપૂર્ણ સમાપ્ત કરવા જઈ રહી છે. આ કાયદાથી વેપારીઓ તેમ જ સામાન્ય જનતાને પણ ઘણું સહન કરવાનું આવશે તેમજ નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે, એમ વેપારીઓનું કહેવું છે.

આ કાયદાનો વિરોધ કરવા આગળની રણનીતિ નક્કી કરવા અર્થે ગુરુવાર, 14 જુલાઈના ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડ્સ મર્ચન્ટસ એસોસિયેશન ગ્રોમા અને ચેમ્બર ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડર્સ -કેમિટના સંયુક્ત ઉપક્રમે 5 ટકા જીએસટીના વિરોધમાં ગુરુવારે બપોરે 1:30 વાગ્યે ગ્રોમા હોલ 9મા માળે ગ્રોમા હાઉસમાં સમગ્ર મહારાષ્ટ્રભરના વેપારી આગેવોનોની એક મહત્ત્વની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સભામાં સમગ્ર મહારાષ્ટ્રભરના વેપારી આગેવાનો ગ્રોમાના પ્રમુખ શરદકુમાર મારુ, કેમિટના ચેરમેન મોહનભાઇ ગુરનાની, પ્રમુખ દીપેન અગ્રવાલ, ફામના ચેરમેન વિનેશ મહેતા, સેક્રેટરી આશિષ મહેતા તેમ જ કેટ-મુંબઈ પ્રમુખ શંકર ઠક્કર, ગોળ મર્ચન્ટસ એસોસિયેશનના પ્રમુખ દીપક શાહ, એ.પી.એમ.સી.ના દાણાબજારના ડાયરેક્ટર નિલેશ વીરા, એ.પી.એમ.સી.ના મૂડી બજારના ડાયરેક્ટર વિજય ભુતા, તથા મીરા- ભાયંદર, કલ્યાણ, થાણે સંસ્થાઓના પદાધિકારીઓ સાથે કોલ્હાપુર, સોલાપુર ઔરંગાબાદ, ચંદ્રપુર વગેરેના આગેવાનોએ વર્ચ્યુઅલ હાજર રહી અને પોતાનાં મંતવ્યો જણાવ્યાં હતાં અને સર્વાનુમતે એક દિવસ તા.1 6/07/2022ના પ્રતીક બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું છે.

3 કરોડ વેપારીઓ પ્રભાવિત
સરકારના આ નિર્ણયથી 7300 બજારો, 13,000 દાલ મિલો, 9600 જેટલી ચોખાની મિલો, 8000 જેટલી લોટની મિલો સાથે 3 કરોડ જેટલા નાના -મોટા વેપારીઓ પ્રભાવિત થશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ઓછી કરવાની વાત કરે છે, પરંતુ આ નિર્ણયથી મોંઘવારી સાથે ઈન્સ્પેક્ટર રાજ વધશે. ઉપરાંત વેપારીઓ સાથે ખેડૂતો પણ પ્રભાવિત થશે, એમ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસિયેશન -ગ્રોમાના પ્રમુખ શરદકુમાર મારુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...