ડોંબીવલીની એક નોકરિયાત મહિલાના બંધ ઘરનું તાળુ તોડીને ઘરમાંથી લાખો રૂપિયાના માલની ચોરી કરનાર ત્રણ બહેનની ગુના શાખાની ટીમે પુણે જિલ્લાના પુરંદર તાલુકાના જેજુરીથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી 23 તોલા સોનુ અને રોકડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ડોંબીવલી પૂર્વના ચિતરંજનદાસ રોડ પર નિલકંઠ સોસાયટીમાં રહેતી ચૈતાલી શેટ્ટી ઘરને તાળુ મારીને સવારના કામ પર જવા નીકળી હતી. નજર રાખીને બેઠેલી આરોપી ત્રણ બહેનો ધોળેદહાડે તાળુ તોડીને ઘરમાં ઘુસી અને 2 લાખ રૂપિયા રોકડા, 23 તોલા સોનાની ચોરી કરી. સાંજે કામ પરથી પાછા આવતા ચૈતાલીને ઘરમાં ચોરી થયાની જાણ થઈ. આ પ્રકરણે એણે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.
કલ્યાણ ગુના શાખાના સીનિયર પીએસઆઈ કિશોર શિરસાઠની ટીમે તપાસ શરૂ કરી. આ ઘરની બહારના સીસી ટીવી ફૂટેજ જોયા. એમાં ત્રણ મહિલા ચોર હોવાનું જણાયું. રેલવે સ્ટેશનના ફૂટેજ તપાસતા આ મહિલાઓ ડોંબીવલીથી લોકલમાં ઘાટકોપર ગઈ હોવાનું જણાયું. આ મહિલાઓ માનખુર્દની રહેવાસી હોવાની માહિતી ખબરીએ પોલીસને આપી. પોલીસે ત્રણેય મહિલાઓની ઓળખની માહિતી મેળવી મોબાઈલ નંબર મેળવ્યા. ટેકનિકલ માહિતીના આધારે આ ત્રણેય મહિલાઓના મોબાઈલનું લોકેશન જેજુરી દેખાડતું હતું. આ મહિલાઓ ચોરી કર્યા પછી દેવદર્શન માટે જેજુરી ગઈ હોવાની માહિતી માનખુર્દમાંથી મળી હતી.
પોલીસે જેજુરીમાં છટકું ગોઠવ્યુ અને આરોપી ચોર મહિલાઓ સારીકા શંકર સકટ, સુજાતા શંકર સકટ અને મીના ઉમેશ ઈંગળેની ધરપકડ કરી હતી. આ ત્રણેય વિરુદ્ધ પહેલાં પણ મુંબઈ, થાણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. આ મહિલાઓએ અત્યાર સુધી ક્યાં ક્યાં ચોરી કરી એની માહિતી મેળવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.