મલાડમાં બાંગુરનગર પોલીસ સ્ટેશનની હદમાં ફિલ્મ નિર્માતાના નોકરને ગોંધીને રૂ. 25 લાખ અને રૂ. 35,000ના દાગીના ચોરીને ભાગી ગયેલા ત્રણ જણને પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીને દેવશ પ્રેમચંદ સવિસિયા ઉર્ફે દીપુ, શેખ મુસ્તકિમ ઉર્ફે સોહેલ અને સર્વેશ શર્મા તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.આમાંથી સર્વેશ ફર્નિચરના કોન્ટ્રાક્ટ લે છે. નિર્માના ઘરે તેણે કામ કર્યું હતું, જેથી અમુક પૈસાના વ્યવહારો વિશે જાણતો હતો. તેણે ઝટપટ પૈસા કમાવા બે કામગાર દીપુ અને સોહેલની મદદ લીધી. રવિવારે બપોરે નિર્માતા મીરા રોડ ગયો હતો. તે સમયે આરોપીઓ ઘરમાં માસ્ક પહેરીને ધૂસ્યા. નોકરને એમ કહ્યું કે તારા માલિકે બોલાવ્યા છે. આ પછી ટોય ગન કાઢીને નોકરીને ધમકાવ્યો. નોકરને રસીથી બાંધી દીધો. આ પછી બેડરૂમમાં ગયા અને કબાટમાંથી રૂ. 25 લાખ અને સોનું લઈને ભાગી ગયા. અડધા કલાકમાં નોકરે હેમખેમ પોતાનો છુટકારો કરીને માલિકને જાણ કરી હતી, જે પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર પીઆઈ પ્રમોદ તાવડેની ટીમના પીઆઈ ભાસ્કર કદમ, દત્તાત્રય ગુંડ, એપીઆઈ સંજય સરોળકર અને ટીમે સીસીટીવી તપાસ્યા હતા. તેમાં ચોરી પૂર્વે સોહેલ અને દીપુ એક મેડિકલની દુકાનમાં ગયા હતા. અહીં તેમણે માસ્ક ખરીદી કર્યા. ચોરી પછી ફરી ગોરેગાવ આવ્યા. અહીં દીપુએ કપડાં બદલી કરીને રિક્ષાથી જોગેશ્વરી ગયા. જોગેશ્વરીમાં બે દિવસ રોકાયા. પોલીસ પગેરું દબાવીને ત્યાં પહોંચતાં જ તેઓ ભાગવા લાગ્યા હતા. પોલીલે પીછો કરીને બંનેને ઝડપી લીધા. તેમની પૂછપરછને આધારે સર્વેશની પણ ધરપકડ કરી હતી. તેમની પાસેથી લગભગ બધો જ મુદ્દામાલ પાછો મેળવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.