દિલ્હીમાં અત્યંત નિર્દયતાથી લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરનારો આફ્તાબ પૂનાવાલાને આ મહિને અગાઉ મહારાષ્ટ્રમાં માણિકપુર પોલીસે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે આત્મવિશ્વાસથી છલોછલ દેખાતો હતો અને તેના ચહેરા પર પસ્તાવાનાં કોઈ નિશાન દેખાતાં નહોતાં, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધાનું કોઈ પગેરું મળ્યું નહીં ત્યારે તેના પરિવારે વસઈ સ્થિત માણિકપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગયા મહિને અને 3 નવેમ્બરે આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બંને અવસરે તેણે એવું કહ્યું કે શ્રદ્ધા તેને છોડીને જતી રહી હતી અને તેઓ જોડે રહેતાં નહોતાં, એમ પૂછપરછ કરનારા એપીઆઈ સંપતરાવ પાટીલે જણાવ્યું હતું.
28 વર્ષીય આફતાબની વસઈમાં રહેતી શ્રદ્ધાની હત્યા કરવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કર્યા અને નજીકના જંગલમાં અનેક દિવસો સુધી અલગ અલગ જગ્યાએ ટુકડા ફેંક્યા હતા, જે ટુકડા પોલીસ હવે ભેગા કરી રહી છે.ઓક્ટોબરમાં સૌપ્રથમ આફતાબને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ પૂછપરછ પછી તેને જવા દેવાયો હતો. આ પછી 3 નવેમ્બરે ફરી બોલાવવામાં આવ્યો અને બે પાનાંનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
બંને વખત તે એકદમ આત્મવિશ્વાસથી છલોછલ હતો અને તેના ચહેરા પર પસ્તાવાનાં કોઈ નિશાન નહોતાં, એમ તેમણે જણાવ્યું હતું. ગયા મહિને અમે દિલ્હીના મેહરૌલી પોલીસ સ્ટેશનમાં ગયાં અને આફતાબની પૂછપરછ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે શ્રદ્ધા તેની સાથે રહેતી નથી એવું રટણ ચાલુ રાખ્યું હતું અને તે સિવાય કોઈ વધુ માહિતી આપી નહોતી. દિલ્હીમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી, પરંતુ તેની પર ક્યારેય શંકા ઊપજી નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
લવ જિહાદ, આતંકવાદ કે પછી...
શ્રદ્ધાના નિકટવર્તી ફ્રેન્ડ રજત શુક્લાએ કહ્યું કે આફતાબ તેને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરતો હશે એવી શક્યતા છે. આફતાબ સાધારણ માણસ નથી. લવ જિહાદ, આતંકવાદ કે પછી આખા કેસમાં કોઈ ધ્યેય હોઈ શકે. તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. તે લોકોને ગેરમાર્ગે દોરતો હતો, પરંતુ સચ્ચાઈ બહાર આવવી જોઈએ, એમ તેણે જણાવ્યું હતું.
આફતાબ પ્રેમી લાગતો નથી
શુક્લાએ એમ પણ જણાવ્યું કે આફતાબ પ્રેમી લાગતો નથી, કારણ કે કોઈકને પ્રેમ કરતી વ્યક્તિ શરીરના ટુકડા કરવા, ફ્રિજમાં રાખવા અને જંગલમાં નિકાલ કરવા જેવું ઘોર કૃત્ય નહીં કરી શકે. મને 2019માં તેમના લિવ-ઈન સંબંધ વિશે જાણ થઈ હતી. જોકે મને લાગે છે કે તેઓ 2018થી સંબંધમાં હતા, પરંતુ વાત છુપાવી હતી. અમારા અમુક મિત્રો આફતાબને મળ્યા હતા, એમ પણ તેણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.